Connect Gujarat

કચ્છ : 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું, હાથમાં ચૂડી પહેરેલી મહિલાનું કંકાલ મળી આવ્યું

કચ્છ : 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું, હાથમાં ચૂડી પહેરેલી મહિલાનું કંકાલ મળી આવ્યું
X

પુરાતત્ત્વ વિભાગને કચ્છમાંથી ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના અનેક અવશેષો મળી ચુક્યા છે. પુરાતત્ત્વ વિભાગ માટે કચ્છ એક મોટું સંશોધન ક્ષેત્ર બની ગયું છે, ત્યારે લખપતના ખટીયા સાઈટમાં ખોદકામ દરમ્યાન 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું હતું.

લખપત તાલુકાના ઐતિહાસિક ડુંગર ઝારાથી પહેલાં આવતા ખટિયા ગામની આથમણી સીમમાં તલાવડી પાસે ખોદકામ કરતાં 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન શોધી કઢાયું છે. કબ્રસ્તાનમાં એક કંકાલના ડાબા હાથમાં 16 અને જમણાં હાથમાં 3 ચૂડી પહેરેલી મહિલા હોય તેવી શક્યતા સાથેનું હાડપિંજર મળી આવ્યું હતું. ગત તારીખ 16મીથી યુનિવર્સિટી ઓફ કેરાલાના પુરાતત્ત્વ વિભાગના 24 વિદ્યાર્થીઓ અને કચ્છ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ સાથે ગામના મળી 32 લોકો ખોદકામ કરી રહ્યાં હતા. જેમાં ઝીણું ઝીણું ખોદકામ કરી વસ્તુઓને નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવી હતી.

ઉપરાંત ખટિયાની જૂની સાઈટમાં જે માટીના વાસણો મળી આવ્યા છે, તેનાથી અહીં અલગ પ્રકારના છે. દરેક કબ્રસ્તાન અંદર મડદાની સાથે તેના પગ પાસે વાસણમાં કંઈ પાણી કે ખાવાનું રાખવાની પ્રથા હોઈ શકે છે, જેથી દરેક શબના પગ પાસે જોવા મળે છે. પહેલા ખોદેલ કબ્રમાં શબનું માથું પૂર્વ-પશ્ચિમ હતું, જ્યારે આ નવી સાઈટમાં માથું ઉત્તર-દક્ષિણ જોવા મળી રહ્યું છે. એક ઈશાન-નૈઋત્ય વાળી કબર પણ છે. આ કબ્રમાં માટીના વાસણ, હાડપિંજર, હાડકાં, સફેદ રંગની બંગડીઓ જેવી વસ્તુઓ મળી હતી. અહીં 300થી વધુ કબર હોવાનો અંદાજ છે, જેનો સમયગાળો 5200/4600 વર્ષ હોઈ શકે છે. આ જગ્યા હડપ્પન સંસ્કૃતિની શરૂઆતની સામ્યતા હોઈ શકે છે. અહીં મોટા ભાગની કબર 2 મીટર લાંબી છે અને દરેકમાં નાના માટલા, માટીના વાસણ મળી આવ્યા હતા. આ મળી આવતાં તમામ અવશેષો પરથી તે સ્ત્રી છે કે પુરૂષ, તેની ઉંમર કેટલી છે, શા માટે કબરમાં માટીના વાસણો મળી રહ્યાં છે, હાલ તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

Next Story
Share it