Connect Gujarat
Featured

કચ્છ : પોલીસે 60 ખેડુતોની કરી અટકાયત તો મહિલાઓએ કરી દીધો હાઇવે પર ચકકાજામ

કચ્છ : પોલીસે 60 ખેડુતોની કરી અટકાયત તો મહિલાઓએ કરી દીધો હાઇવે પર ચકકાજામ
X

કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં વિશ્વ મહિલા દિવસે જ મહિલાઓનો પરચો જોવા મળ્યો હતો. પાવર ગ્રીડ કંપની વિજપોલ તથા વીજવાયરોનું ઓછુ વળતર આપતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડુતોની પોલીસે અટકાયત કરતાં રોષે ભરાયેલી મહિલાઓએ ચકકાજામ કરી દીધો હતો.


પાવરગ્રીડ કંપની દ્વારા નખાતા વિજપોલ અને વિજવાયરના સંદર્ભમાં વળતરની ઓછી રકમ આપવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ખેડુતો વિરોધ પ્રદર્શન કરી રહયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલાં 60 જેટલા ખેડુતોની પોલીસે અટકાયત કરી લીધી હતી. બસ પછી તો મહિલાઓએ મોરચો સંભાળી લીધો હતો અને ભુજથી લખપત થઇ નલિયા જતાં હાઇવે પર ચકકાજામ કરી દીધો હતો. મહિલાઓએ પાવરગ્રીડ કંપની તરફથી કરવામાં આવી રહેલાં અન્યાય સામે ન્યાયની માંગણી સાથે નારેબાજી શરૂ કરી દીધી હતી. મહિલાઓના ચકકાજામને પગલે હાઇવે પર દોઢ કલાક સુધી વાહનવ્યવહાર અટકી જતાં બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. સોમવારના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ભુજમાં મહિલાઓએ પોતાનો પરચો બતાવ્યો હતો.

Next Story