Connect Gujarat
Featured

ઓનલાઈન દર્શન : શ્રી ખોડલધામ મંદિરનો પાટોત્સવ ઉજવાયો, ભક્તો માટે લાઈવ યજ્ઞ-આરતીનું કરાયું આયોજન

ઓનલાઈન દર્શન : શ્રી ખોડલધામ મંદિરનો પાટોત્સવ ઉજવાયો, ભક્તો માટે લાઈવ યજ્ઞ-આરતીનું કરાયું આયોજન
X

શ્રી ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે યજ્ઞ તેમજ લાઈવ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરાતા લાખો ભાવિકોએ ઘરે બેઠાં મા ખોડલનું પૂજન અને લાઈવ આરતીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતીક એટલે ખોડલધામ-કાગવડ, ત્યારે તા. 21 જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો દિવસ માનવામાં આવે છે. કારણે કે, વર્ષ 2017માં તા. 21 જાન્યુઆરીના રોજ શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો ભક્તોએ મા ખોડલનું પૂજન અને લાઈવ આરતીના દર્શનનો લ્હાવો લીધો હતો.

જોકે દર વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટોત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થવું હિતાવહ ન હોવાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે પાટોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. જેથી ખોડલધામ મુકામે યજ્ઞ તેમજ લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મા ખોડલના દર્શન કરી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ પ્રસંગે ભક્તોએ પોતાના ઘરે જ રહી મા ખોડલના લાઈવ દર્શન કરી પૂજન-અર્ચન પણ કર્યું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતુ કે, દર વર્ષે તા. 21 જાન્યુઆરીના રોજ ખોડલધામ મુકામે ધામધૂમથી પાટોત્સવ ઉજવાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ રીતે લાઈવ આરતી કરી પાટોત્સવની ઉજવણી કરાય છે. તેમજ સર્વે ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે, સૌએ ઘરે જ મા ખોડલની મૂર્તિ કે, છબીનું સ્થાપન કરી કંકુ-ચોખાથી ચાંદલો કરવો, ત્યારબાદ મા ખોડલને ચુંદડી અને ફૂલહાર અર્પણ કરવા, તો સાથે જ મા ખોડલને પ્રસાદ ધર્યા બાદ દિવો પ્રગટાવી પૂજન કરવું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ આહ્વાનને ઝીલી ભક્તોએ મા ખોડલની મૂર્તિ કે, છબીનું સ્થાપન કરી મા ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા.

Next Story