Connect Gujarat
લાઇફસ્ટાઇલ

"કસુંબીનો રંગ" : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન ઝરમર ઉપર એક નજર

કસુંબીનો રંગ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન ઝરમર ઉપર એક નજર
X

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ છે. સૈકાઓથી મેઘાણી સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે, અને સાંપ્રત સમયમા પણ મેઘાણીજીનુ સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને પણ બેઠા કરનાર, અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વિગેરે રચનાઓ, આજે પણ લોકોને વિરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ, અને ખાનદાનીના પાઠ શીખવે છે.

કવિ, લેખક, પત્રકાર, વિવેચક, અને લોકસાહિત્યના સંશોધક, સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા. ૨૮/૮/૧૮૯૬ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનું નામ કાળીદાસ, અને માતાનું નામ ધોળીબાઈ હતુ. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના આ કવિના પિતા કાળીદાસ મેઘાણી, બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ વર્ણન, તેમજ સંશોધિત, સંપાદિત લોક સાહિત્ય, વિવેચન, લોકકથા, અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલા પુસ્તકોનુ લેખન કર્યું છે.

લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અને અનુવાદક હતા. સાથે જ તેઓ એક સમાજ સુધારક, અને સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેમને લોકો દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ અને શાણો જેવા હુલામણા નામે પણ ઓળખે છે. સંસ્કૃત સાથે બી.એ.નો અભ્યાસ કરનારા ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી, ભાવનગર વિગેરે જગ્યાઓએ થયુ. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં સને ૧૯૧૦થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨માં મૅટ્રીક થયા હતા.

ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાત્તા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે પણ લાગ્યા. આ કંપનીમા કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનુ થયુ હતું. ૩ વર્ષ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સને ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા હતા. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા, અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસી ક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનુ નોંધપાત્ર સર્જન છે.

Next Story
Share it