Connect Gujarat
બ્લોગ

લોકસભાની ચૂંટણી એડિટરની આંખે : યોગેશ પારિક

લોકસભાની ચૂંટણી એડિટરની આંખે : યોગેશ પારિક
X

લોકસભાની ચૂંટણીમાં ક્યાંક સ્થાનિક મુદ્દાઓ તો નથી વિસરાતા ને ?

રાફેલ, રામમંદિર, અગસ્તા, ચોકીદાર, પુલવામા અને સર્જીકલ સ્ટ્રાઇક જેવા મુદ્દાઓ વચ્ચે વિકાસનો મુદ્દો ક્યાંક ખોવાઈ તો નથી ગયો ને?

મારે કોને મત આપવાનો તે ઉમેદવાર પક્ષ નક્કી કરે અને કહેવાય મારો દેશ લોકશાહી દેશ છે.

આમ તો ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. પરંતુ સાંપ્રત સમયમાં લોકશાહીના પર્વ કરતા હાઈ પ્રોફાઈલ નેતાઓના પર્વ તરીકે ઉજવાઈ રહ્યું હોય તેમ લાગી રહયું છે. ચૂંટણીના શંખનાદ સાથે પહેલા પ્રજામાં ઉત્સાહ જોવા મળતો હતો કે હવે આપણા નેતા ચૂંટી લાવવાનો સમય આવી ગયો છે. પરંતુ આજે આ ઉત્સાહ માત્ર પક્ષના કાર્યકરો પૂરતો સિમીત રહી ગયો છે. (જેના માનીતા ઉમેદવારને ટિકિટ મળી હોય તેવા જ ) બસ હાઇકમાન્ડે કરેલા ઓર્ડરને અનુસરો અને લાગી જાવ કામ પર. પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે મને કે કમને પરસેવો પાડવા માંડો. લોકોની આંખો સમક્ષ એવી દુનિયા પ્રસ્થાપિત કરો કે જેનાથી તે અંજાઈ જાય અને તમારા પક્ષ તરફ વળી જાય... હાલની ચૂંટણીમાં તો આમ જ લાગે છે. પ્રજા પણ જેમ ટી.વીમાં સારી ટૂથપેસ્ટની એડ જોઈ પોતાના પરિવાર માટે ટુથ પેસ્ટની પસંદગી કરે છે, તેમ હાઈ પ્રોફાઈલ પ્રચારથી અંજાઈ જઈ પોતાના દેશ માટે નેતાની પસંદગી કરી રહ્યા છે.

આમ તો આપણો દેશ લોકશાહી દેશ કહેવાય છે અને આપણને અધિકાર આપવામાં આવ્યો છે, કે તમારા મનપસંદ નેતાને ચૂંટી શકાય પરંતુ શું તે સાચું છે? કારણ કે આપણે કયા નેતાને મત આપવો તે તો જે તે પક્ષ નક્કી કરે છે અને આપણા મત વિસ્તારમાં પાર્ટીએ નક્કી કરેલ નેતાને મૂકે છે. જે પાર્ટીની દ્રષ્ટિએ સારો હોય પરંતુ લોકોની દ્રષ્ટિએ ન પણ હોય. પ્રજાને પક્ષ ગમતો હોય પરંતુ સ્થાનિક નેતા ન ગમતો હોય તો ક્યાં જવું? ખેર આ વાતનો અંત નથી કારણ કે પક્ષની પરંપરાને પડકાર કેવી રીતે કરી શકાય.

આ ચૂંટણીમાં મને એમ લાગે છે કે, રાષ્ટ્રીય મુદ્દાઓની આડમાં ક્યાંક સ્થાનિક મુદ્દાઓ તો નથી વિસરાઈ રહ્યા ને? સૌથી મોટો રાષ્ટ્રીય મુદ્દો એ હોવો જોઈએ કે દેશનો વિકાસ કેવી રીતે થશે?, દેશની આર્થિક સ્થિતિ કેવી રીતે મજબૂત બનશે?, દેશના નાનામાં નાના વ્યક્તિને લાભ કેવી રીતે થશે?, વૈશ્વિક બજારમાં ભારતનું અર્થતંત્ર કેવી રીતે મજબૂત બનાવી શકાશે?. પરંતુ હાલમાં તમામ પક્ષના નેતાઓએ આવા મુદ્દાઓથી તો મોં જ ફેરવી લીધું હોય તેમ લાગે છે. હાલમાં મુદ્દાઓ છે રાફેલ, અગસ્ત, રામમંદિર, પુલવામાં હુમલો, પાકિસ્તાન સાથેના સંબંધો વિગેરે વિગેરે.. મને એમ થાય કે આ તમામ મુદ્દાઓ સાથે મારી ઓફિસની નીચે પાનનો ગલ્લો ચલાવતા મોન્ટુભાઈ ને શું લેવાદેવા? એ તો એમ કહે કે યાર ચૂંટણી તો છે જ હું પાન પર ચૂનો ચોપડું અને આ નેતાઓ પ્રજાને ચૂનો ચોપડે... આપણા માટે તો બધા સરખા. કારણ કે મને કોઈ સાંજે મારા ઘરનું પેટિયું ચલાવવા પૈસા નથી આપવાનું. ચૂંટણી સમયે હાથ જોડતા આ જ નેતાઓ ચૂંટણી બાદ હાથ ખેંચી લેતા પણ નહિ ખચકાય.. આ ભાઈની વાત સાંભળીને મને લાગ્યું કે શું ખરે ખર આપનો દેશ લોકશાહી દેશ છે ? જ્યાં પ્રજાને જ કોઈ નથી પૂછતું.

Next Story