Connect Gujarat
Featured

દરિયાદેવ ખુદ આવે છે શિવજીનો અભિષેક કરવા માટે, વાંચો કયાં આવેલું છે આ શિવાલય

દરિયાદેવ ખુદ આવે છે શિવજીનો અભિષેક કરવા માટે, વાંચો કયાં આવેલું છે આ શિવાલય
X

ભોળાનાથ શંભુની આરાધનાના પર્વ મહા શિવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે શિવ ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. અમે આપને જણાવી રહયાં છે એક અનોખા શિવમંદિર વિશે કે જયાં દરિયાદેવ ખુદ શિવજીનો અભિષેક કરવા માટે આવે છે. હા અમે વાત કરી રહયાં છીએ ભરૂચ જિલ્લાના કાવી કંબોઇની …

ખંભાતના અખાતમાં મહીસાગર નદી અને અરબી સમુદ્રનું જયાં મિલન થાય છે ત્યાં કાવી- કંબોઇ તીર્થસ્થાન આવેલું છે. દરિયામાં આવતી ભરતીના સમયે શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઇ જાય છે અને ઓટના સમયે શિવલિંગના દર્શન થાય છે. સોમવાર, બુધવાર અને શનિવારના રોજ આવતી અમાસ તથા શિવરાત્રિના દિવસે કાવી- કંબોઇ ખાતે દર્શન માટે હજારોની સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડતાં હોય છે. સવારના સમયે શિવાલયથી દુર વહેતો દરિયો સાંજ સુધીમાં તો મંદિરને પોતાની અંદર સમાવી લેતો હોય છે. આ નયનરમ્ય દ્રશ્ય માનવીમાત્રને શિવમય બનાવી દેતું હોય છે.

મંદિરનું મહાત્મય શું છે ?

કાવી- કંબોઇના મહંત વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા અનુસાર છ હજાર વર્ષ પહેલા વેદ વ્યાસે લખેલા સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર તીર્થનો ઉલ્લેખ છે. દેવાધિદેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામીએ માત્ર છ દિવસની વયે દેવસેનાનુ સેનાપતિત્વ સંભાળ્યુ હતુ. આ સ્થળે કાર્તિકેય સ્વામીએ આ સ્થળે રાક્ષક તાડકાસૂરનો વધ કર્યો હતો. પણ વાત એમ બની હતી કે, તાડકાસૂર ભગવાન શંકરનો ભક્ત હતો. પિતાના પરમ ભક્તનો વધ કરવા બદલ તેમને ભારે પસ્તાવો થયો હતો. જેથી ભગવાન વિષ્ણુએ સ્વયં પ્રગટ થઈને તેમને આ સ્થળ ઉપર ભગવાન શંકરની તપસ્યા કરવાની સલાહ આપી હતી. તેમની વાત માનીને કાર્તિકેય સ્વામીએ કંબોઈમાં કઠોર તપસ્ચર્યા કરી હતી. તેમના તપથી પ્રસન્ન થયેલા મહાદેવ શંકર, પત્ની પાર્વતી અને પુત્ર ગણેશ સાથે અહીં પ્રગટ થયા હતા. આ પ્રસંગે સમસ્ત દેવી-દેવતાઓ આવી પહોંચ્યા હતા અને તેઓએ અહીં 'વિશ્વનંદક' નામના સ્તંભની સ્થાપના કરી હતી. તેનાથી પશ્ચિમ ભાગે ભગવાન શંકર સ્વયં બિરાજમાન થયા હતા. આ સ્તંભના નામથી સ્થળનુ નામ સ્તંભેશ્વર રાખવામાં આવ્યુ હતું.

કેવી રીતે પહોંચશો કાવી- કંબોઇ ?

કાવી અને કંબોઇ જંબુસર તાલુકામાં આવેલાં છે. ભરૂચ અને વડોદરા એમ બંને શહેરોથી કાવી અને કંબોઇ જઇ શકાય છે. ભરૂચથી એસટી બસ તથા ખાનગી વાહનોમાં જંબુસર પહોંચીને ત્યાંથી કાવી જઇ શકાય છે. વડોદરાથી પણ વાહનોની સુવિધા મળી રહી છે. ખાનગી વાહનો પણ છેક મંદિર સુધી જઇ શકે તેવો રસ્તો બનાવવામાં આવ્યો છે.

મહા શિવરાત્રીના મેળાની વિશેષતા શું છે ?

કાવી- કંબોઇ ખાતે આવેલાં શિવલિંગનો આકાર સ્તંભ જેવો હોવાથી તે સ્તંભેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાઇ છે. જેમાં દેશભરમાંથી શિવજીના ભકતો ઉમટી પડતાં હોય છે. શિવના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે અહીં ચારે પ્રહર સુધી ભોળાનાથ શંભુનુ પુજન-અર્ચન કરવામાં આવે છે. દરિયા કિનારે હોર્સ રાઇડીંગ, ચકડોળ, ખાણી-પીણીની લારીઓ સહિતની સુવિધાઓ પણ મળી રહે છે.

Next Story