Connect Gujarat
Featured

મહા નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો અને આપની એન્ટ્રી

મહા નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો અને આપની એન્ટ્રી
X

રાજયની છ મહાનગરપાલિકાઓના પરિણામ મંગળવારના રોજ જાહેર થઇ ગયાં છે. રાજયની તમામ મહાનગર પાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે કમ બેક કર્યું છે. બીજી તરફ નબળી નેતાગીરીના કારણે કોંગ્રેસને સૌથી શરમજનક હારનો સામનો કરવો પડયો છે જયારે સુરતમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે સત્તા ટકાવી રાખી છે જયારે સત્તા હાંસલ કરવાના કોંગ્રેસના શમણા રોળાઇ ગયાં છે. રાજયમાં વિધાનસભાની પેટાચૂંટણી કરતાં પણ ખરાબ હારનો સામનો કોંગ્રેસને કરવો પડયો છે. રવિવારે મતદાન બાદ મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રારંભિક રાઉન્ડથી જ ભાજપે લીડ મેળવી લીધી હતી. અપેક્ષા મુજબ વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પરિણામો આવ્યાં છે પણ સૌથી મોટો ઉલટફેર સુરત મહાનગરપાલિકામાં જોવા મળ્યો હતો.

સુરતના પાટીદાર બાહુલ્ય ધરાવતાં વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યાં છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતાં પણ વધારે બેઠકો પ્રાપ્ત થઇ છે. વડોદરા મહાનગર પાલિકામાં કોંગ્રેસને માત્ર સાત બેઠકોથી સંતોષ માણવો પડયો છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. જામનગર અને ભાવનગર માં પણ કોંગ્રેસના બુરા હાલ થયાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પેજ સમિતિની રણનિતિ ઓછા મતદાન વચ્ચે પણ કારગત નીવડી હોય તેમ લાગી રહયું છે.

મહાનગરપાલિકાના પરિણામો બાદ ભાજપમાં દીવાળી તો કોંગ્રેસમાં હોળી જેવો માહોલ છે. મતદાન બાદ વિજયના કોંગ્રેસના દાવાઓ ફુગ્ગાની જેમ ફુટી ગયાં છે. ભાજપના નકકર આયોજન સામે કોંગ્રેસે ઘુંટણીયા ટેકવી દીધાં હોય તેવું ચિત્ર ઉપસી રહયું છે.

Next Story