Connect Gujarat
ગુજરાત

મહારાષ્ટ્રમાં વિશ્વાસનો મત કયારે લેવો તેનો સોમવારે આવશે ચુકાદો

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેનું કોકડુ રોજબરોજ ગુંચવાઇ રહયું છે. ભાજપે અજીત પવારના સમર્થનથી દેવેન્દ્ર ફડનવીસને મુખ્યમંત્રી બનાવી દેતાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી રવિવારના રોજ કરાઇ હતી. આ સુનાવણી સોમવારના રોજ પણ હાથ ધરવામાં આવનાર હોવાથી ફલોર ટેસ્ટ અંગેનો ચુકાદો સોમવારના રોજ આવવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની સરકાર બને તે પહેલાં ભાજપે દાવ ખેલી દેવેન્દ્ર ફડનવીસને મુખ્યમંત્રી બનાવી દીધાં છે. શરદ પવારના ભત્રીજા અજીત પવારે તેમની સાથે 30થી વધુ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો હતો પણ શનિવારે સાંજે સ્થિતિ બદલાઇ હતી. શરદ પવારે બોલાવેલી બેઠકમાં એનસીપીના 50 ધારાસભ્યો હાજર રહયાં હતાં.

બીજી તરફ રાતોરાત રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવવાના રાજયપાલના નિર્ણય સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી રવિવારના રોજ હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે સોમવારના રોજ પણ સુનાવણી હાથ ધરાશે તેવો નિર્ણય લીધો હતો. હાલ તો સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને નોટીસ આપી સરકારની રચના અંગેના તમામ દસ્તાવેજો જમા કરાવવા માટે આદેશ કર્યો છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડીંગ અટકાવવા તાત્કાલિક અસરથી ફલોર ટેસ્ટની માંગણી કરી છે. સોમવારના રોજ હવે સુપ્રિમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયપાલે ફડણવીસ સરકારને 30મી નવેમ્બરના રોજ વિધાનસભામાં બહુમત પુરવાર કરવા જણાવ્યું છે.

Next Story
Share it