Connect Gujarat
Featured

મહાશિવરાત્રી: શા માટે રાત્રે જ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા.! જાણો પૂજા વિધિ

મહાશિવરાત્રી: શા માટે રાત્રે જ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા.! જાણો પૂજા વિધિ
X

શિવરાત્રિને નીલકંઠ ભગવાન શંકરનો સમર્પિત દિવસ માનવામાં આવે છે. આમ તો દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ તારીખે ઓળખવામાં આવે છે, પરંતુ મહા વદ ચૌદસ એ મુખ્ય શિવરાત્રી એટલે કે મહા શિવરાત્રિનું પર્વના રીતે ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતોઅને વળીપ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

ક્યારે ઉજવાય છે શિવરાત્રી:

મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે - (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની (ર) નિશીથ (અર્ધરાત્રિ) – વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.

રાત્રે જ પૂજા કેમ:

શિવરાત્રી અને નવરાત્રી આ બે પર્વ રાત્રીમાં ઉજવવામાં આવતા હોય છે. શિવરાત્રીના પાછળ તાત્ત્વિક કારણ એ છે કે ભગવાન શંકર એ નવસર્જન હેતુ સંહારના દેવતા છે, તમોગુણના અધિષ્ઠાતા છે. તેથી સ્વાભાવિક છે કે તેમના કાર્ય માટે રાત્રિનો સમય વધુ અનુકૂળ છે.

શિવરાત્રિ કૃષ્ણ પક્ષમાં ઊજવાય છે તો તેની પાછળ પણ એક વિશેષ દૃષ્ટિ છે. શુક્લ પક્ષમાં ચંદ્રમા પૂર્ણ હોય છે અને કૃષ્ણ પક્ષમાં તે ક્ષીણ થતો જાય છે. તેથી ચંદ્રની વૃદ્ધિ સાથે રસવાન પદાર્થોમાં વૃદ્ધિ થાય છે અને કૃષ્ણ પક્ષ શરૂ થતાં અમાવાસ્યાએ તે સંપૂર્ણ ક્ષીણ થઈ જાય છે અને ભૂમંડલ ઉપર પ્રાણીઓમાં તેનો પ્રભાવ પડે છે અને જે જન્મતઃ તામસ પ્રકૃતિના છે. તેમના અંતઃકરણમાં તામસી શક્તિઓ પ્રબુદ્ધ થાય છે અને અનેક પ્રકારના નૈતિક તેમજ સામાજિક અપરાધોનું કારણ બને છે. આ રીતે પ્રવૃત્ત થયેલી શક્તિને આધ્યાત્મિક દૃષ્ટિએ ભૂતપ્રેત ઈત્યાદિ કહે છે અને શિવ તેના નિયામક છે.

વ્રતનું મહત્ત્વ:

શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે તેથી તે અવશ્ય કરવું જોઈએ.

મહાશિવરાત્રીનું મુહૂર્ત:

મહાશિવરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત આ વર્ષે 48 મિનિટનું રહેશે. નિશિથ કાળની પૂજા11 માર્ચ, ગુરુવાર ના રોજ રાત્રે 12.26 કલાકથી 1.14 કલાક સુધી રહેશે.

પૂજા વિધિ:

શિવપુરાણ અનુસાર વ્રતી પુરુષે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાન - સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન,અલગ અલગ દ્રવ્યોથી તેમના ઉપર અભિષેક કરવાઅને શિવને નમસ્કાર કરવા જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે. રાત્રિના ચારેય પ્રહરોની પૂજાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે.

આ રીતે પૂજા કરવાથી આપના આશુતોષ ભગવાન શિવની કૃપા બની રહેશે.

બ્લોગ: ધાર્મિક પુરોહિત, જ્યોતિષાચાર્ય

Next Story