ગંગાજળીયા તળાવ પાર્કિંગ ખાતે ભારે હંગામો
પૂર્વ નગરસેવિકા અને દબાણ હટાવ ટીમ આમને-સામે
લારી ધારકો પાસેથી પૈસા લેવાના મામલે ગરમાયું રાજકારણ
સણસણતા આક્ષેપોથી વિવાદનો મધપૂડો છંછેડાયો
હેરાનગતિ સામે ઉગ્ર પગલું ભરવાની ગીતાબેન મેરની ધમકી
ભાવનગરના ગંગાજળીયા તળાવ પાર્કિંગ ખાતે ભારે હંગામો સર્જાયો હતો,પૂર્વ નગરસેવિકા અને દબાણ હટાવ ટીમ આમને-સામે આવી જતા મામલો ગરમાયો હતો.
ભાવનગરમાં ગંગાજળીયા તળાવના પાર્કિંગ વિસ્તારમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ નગરસેવિકા અને પાર્કિંગના મહિલા સંચાલક ગીતાબેન મેર દ્વારા મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દબાણ હટાવ ટીમના કર્મચારીઓ લારી ધારકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનો સણસણતો આક્ષેપ કરાતા ચકચાર મચી ગઈ છે.
મનપાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અને આક્ષેપોને લઈને વાતાવરણ ભારે ગરમાયું છે. પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરે મનપાના કર્મચારીઓ સામે સીધો મોરચો માંડ્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે, જો પાર્કિંગના મહિલા સંચાલકને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેઓ આત્મવિલોપન કરશે.
ગંગાજળીયા તળાવ જેવા મુખ્ય વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક રાજકારણ અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે, તો બીજી તરફ આત્મવિલોપનની ચીમકી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.
