Top
Connect Gujarat

માલપુરમાં શબવાહિની બની ચર્ચાનું કારણ, જાણો કેમ?

માલપુરમાં શબવાહિની બની ચર્ચાનું કારણ, જાણો કેમ?
X

કોઇ વાહન ગુનાની સંડોવણીમાં પોલિસ સ્ટેશને મુકવામાં આવે તો માન્યામાં આવે. પણ જો શબ વાહિનીને કોઇ અન્ય કારણોસર પોલિસ સ્ટેશને મુકવામાં આવો તો? બસ આવી જ એક ઘટના બની છે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં.

અરવલ્લી જિલ્લાનું માલપુર પોલિસ સ્ટેશન અને અહીં મુકવામાં આવી છે શબવાહિની, આ વાત કદાચ તમને ગળે નહીં ઉતરે અને ગળે ઉતરશે તો સવાલ પણ ઉદભવતો હશે કે, શબવાહિની પોલિસ સ્ટેશનમાં કેમ મુકાઈ છે ? જમાનો બદલાયો છે પણ ક્યાં લોકોની માનસિકતા ઠેર ની ઠેર હોવાને કારણે આ શબવાહિની માલપુર પોલિસના જાપ્તામાં ધૂળ ખાઈ રહી છે.

વાત જાણે એવી છે કે, ત્રણ મહિનાથી આ શબવાહિની મૃતકોના શબને લઇ જવા માટે માલપુર પંચાયતને ફાળવવામાં આવી છે. જો કે રાત્રીના સમયમાં શબવાહિનીમાં કેટલીક અઘટીત ઘટનાઓ થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હોવાની વાત ચગડોળે ચઢતા આ શબવાહિની પર નજર રખાઈ રહી છે.

રાજ્ય સભાના સાંસદની ગ્રાંટમાંથી માલપુર તાલુકાના લોકો માટે શબવાહિની ફાળવાઈ છે, જો કે લોકમુખે શબવાહિનીમાં રાત્રીના સમયે થઇ રહેલી અઘટિત ઘટનાને કારણે સ્થાનિક લોકોએ આ શબવાહિનીને હટાવવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, રાત્રીના સમયે આ શબવાહિનીમાં સાઈરન તેમજ લાઈટ આપોઆપ ચાલુ થતી હતી. એટલું જ નહીં કેટલીક વાર તો શબવાહિનીનું લોક પણ ખુલ્લુ જોવા મળતું હતું. જોકે પોલિસનું માનિયે તો આ પ્રકારની કોઇ જ ઘટના ન ઘટતી હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિક લોકોની રજૂઆત બાદ પંચાયતની જગ્યામાં પડેલી શબવાહિનીને હવે પોલિસની નજર હેઠળ જાપ્તામાં આવી ગઇ છે અને તે બિન ઉપયોગી બની હોય તેવું લાગી રહ્યું છે.

વ્યક્તિના મૃત્યુ પછી અંતિમધામ સુધી પહોંચાડતી શબવાહિની હાલ અંતિમ તબક્કામાં શ્વાસ લેતી હોય તેવું લાગી રહ્યું છે. અંધશ્રદ્ધા હોય કે પછી લોકોનો વહેમ,પણ હાલ તો શબવાહિનીને ચોક્કસથી પોલિસનું સુરક્ષા કવચ ચોક્કસથી મળવા લાગ્યું છે.

Next Story
Share it