માંડવાના લોકો બન્યાં શરણાર્થી, ઉપર આભ અને નીચે જમીન વચ્ચે જીવી રહયાં છે હાઇવે પર

નર્મદા નદીમાં આવેલા પુરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત દયનીય બની છે. નદીના પાણીનો પ્રકોપ માંડવા સહિતના ગામોમાં વર્તાઇ રહયો છે. લોકોના ઘરો અને ખેતરો પાણીમાં ડુબી ગયા છે ત્યારે તેઓ હાઇવે પર ઉપર આભ અને નીચે જમીનની સ્થિતિમાં જીવન ગુજારવા માટે મજબુર બન્યાં છે. નિહાળો વિશેષ અહેવાલ.
મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવેના ડીવાઇડર પર બાંધેલી ભેંસોને જોઇ ત્યાંથી પસાર થતાં હજારો વાહનચાલકો આશ્ચર્ય અનુભવી રહયાં છે. તેઓના મનમાં એક ક્ષણ માટે વિચાર પણ આવી જાય છે કે આ નેશનલ હાઇવે છે કે ભેંસોનો તબેલો. હવે વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો હાઇવે પર પોતાની ભેંસો બાંધવા માટે માંડવા ગામના પશુપાલકો મજબુર બની ગયાં છે. 9 ઓગષ્ટના રોજથી ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે તેમના ગામમાં પાણી પ્રવેશી ગયાં છે. તેમના ઘરો અને ખેતરોમાં પુરના પાણી હોવાથી તેઓ જીવ બચાવવા માટે હાઇવે પર આવી ગયાં છે. તેઓ હાઇવે પર જ તેમના પશુઓ સાથે શરણાર્થી જેવું જીવન ગુજારી રહયાં છે.