Connect Gujarat
Featured

મહેસાણા : સૌપ્રથમ વાર ખેડૂતે કરી 1 ફૂટ લાંબા મરચાંની ખેતી, અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ

મહેસાણા : સૌપ્રથમ વાર ખેડૂતે કરી 1 ફૂટ લાંબા મરચાંની ખેતી, અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ
X

મહેસાણા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ટુકડા જમીન ધરાવે છે. જેમાં જમીન ટૂંકી હોવાના કારણે આવક પણ ઓછી થવાના અનુમાન સાથે ખેડૂતો ખેતીથી અળગા થતા જોવા મળી રહ્યા છે, ત્યારે ઊંઝા તાલુકાના કહોડા ગામના ખેડૂતે મરચાની ખેતી કરી મબલક આવક મેળવી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

મહેસાણા જિલ્લા ઊંઝા તાલુકાના કહોડા ગામના એક ખેડૂતે પોતાના એક મિત્ર પાસેથી મરચાનું બિયારણ લાવી સવા વિધા ખેતરમાં મરચાની ખેતી કરી છે. જેમાં આપે અત્યાર સુધીમાં 5થી 6 ઇંચના મરચાં જોયા હશે, પરંતુ અહી ખેડૂતે 10 ઇંચથી વધુ મોટા મરચાની વાવણી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે. અત્યાર સુધી ખેડૂતને મરચાના પાક પાછળ 60થી 70 હજારનો ખર્ચ થયો છે, ત્યારે તેની સામે મરચાનો સારો પાક મળતા ખેડૂતે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક પણ મેળવી લીધી છે. તેમજ આગામી સમયમાં હજુ 5થી 6 લાખ રૂપિયાની આવક થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, અગત્યની વાત તો એ છે કે, ખેડૂતે વાવેલા મરચાં એક ફૂટ લાંબા હોવાથી અન્ય મરચાના ભાવ કરતા માર્કેટમાં પ્રતિ મણ 100થી 150 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. હાલ બજારમાં મરચાનો ભાવ 700થી 800 રૂપિયા છે, ત્યારે ખેડૂતને લાંબા મરચાંનો ભાવ રૂપિયા 900થી 1000 સુધી મળી રહે છે. તો સાથે જ ખેડૂતે પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર વાપરવાની જગ્યાએ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી સારું ઉત્પાદન સાથે લોકોના સ્વાસ્થ્યની પણ કાળજી લીધી છે, ત્યારે કહોડા ગામના અન્ય ખેડૂતો પણ તેઓના ખેતરની મુલાકાત લઈ એક ફૂટ લાંબા મરચાં જોઇને ઘણા આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

Next Story