Connect Gujarat
Featured

મહેસાણા: સરપંચથી લઈ સાંસદ અને ક્લાર્કથી લઈ ક્લેક્ટર સુધી પાટીદાર હોવો જોઈએ, જુઓ કોણે આપ્યું નિવેદન

મહેસાણા: સરપંચથી લઈ સાંસદ અને ક્લાર્કથી લઈ ક્લેક્ટર સુધી પાટીદાર હોવો જોઈએ, જુઓ કોણે આપ્યું નિવેદન
X

મહેસાણાના ઊંઝા ખાતે પાટીદાર સમાજની એકતા માટે સમાજની મુખ્ય બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામના ટ્રસ્ટીઓની ચિંતન બેઠક યોજાઇ હતી જેમાં નરેશ પટેલે નિવેદન કર્યું હતું કે સરપંચથી લઈ સાંસદ અને ક્લાર્કથી લઈ ક્લેક્ટર સુધી પાટીદાર હોવો જોઈએ.

ઊંઝા ઉમિયાધામ ખાતે આજરોજ ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ઊંઝા ઉમિયા માતાજીના ટ્રસ્ટીઓની ચિંતન બેઠક યોજાઇ હતી. બેઠકમાં આવતા પહેલા નરેશ પટેલે ઉમિયા માતાજીના મંદિરે પહોંચ્યા હતા.તેમની સાથે ખોડલ ધામના ટ્રસ્ટીઓ પણ મંદિરે પહોંચતા સમયે ઊંઝા ઉમિયાધામ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજની બેઠક કડવા અને લેઉઆ પાટીદાર સમાજ માટે ખૂબ અગત્યની સાબિત થઈ હતી કારણકે ખોડલ ધામના નરેશ પટેલે પ્રથમ વખત ઉમિયાધામની મુલાકાત લીધી હતી અને બનને સંસ્થાઓની ચિંતન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કડવા અને લેઉઆ સમાજને એક મંચ પર લાવીને એક કરવા સૌએ હાંકલ કરી હતી. નરેશ પટેલે નિવેદન કર્યું હતું કે, પાટીદાર સમાજની રાજકીય અને અધિકારી લેવલે નોંધ લેવાતી નથી જે નોંધ લેવાય તે જરૂરી છે.

તો ઊંઝા ઉમિયાધામના પ્રમુખ મણી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ એક બીજાના ટાંટિયા ખેંચે નહીં અને સમાજને એક કરે તે જરૂરી છે. કડવા અને લેઉઆ સમાજમાં રાજકીય સમજ આવે તે જરૂરી છે. બંને સમાજ એક થતા રાજકીય સમીકરણો પણ બદલાય તેવી શક્યતા આગામી ભવિષ્યમાં જોવાઇ રહી છે.

Next Story