Connect Gujarat
ગુજરાત

નર્મદા બંધના અસરગ્રસ્તોએ પૂનઃવસવાટ કચેરીને કરી તાળાબંધી, મચ્યો હોબાળો

નર્મદા બંધના અસરગ્રસ્તોએ પૂનઃવસવાટ કચેરીને કરી તાળાબંધી, મચ્યો હોબાળો
X

અસરગ્રસ્તો અને તેમના વારસદારોને લાયકાત મુજબ નોકરી આપવી અને દરેક ગામના લેબર કામ માટે ૧૦૦% ભરતી કરવાની માંગ કરી.

સરદાર સરોવર નર્મદા બંધમાં ડૂબમાં ગયેલા 19 ગામોને ખસેડી વિવિધ વિસ્તારમાં વસાહતો બનાવી આ અસરગ્રસ્તોને પુનઃ વસન કરવામાં આવ્યું છે. જેમને પાયાની સુવિધાથી લઈને જમીનો ધંધા રોજગાર અને નોકરી આપવાનું વચન આપી વસાવ્યા છે. ત્યારે સરકારે બંજર જમીનો અને કાચું પાકું મકાન આપી વેઠ ઉતારી દીધી. પરંતુ ત્યારથી આ અસરગ્રસ્તોનું આંદોલન શરૂ થયું.

સરકાર માત્ર દિલાસો આપી કાઢી મૂકે છે. પણ અત્યાર સુધી તેમને પાયાની સુવિધા પણ મળતી નથી. ત્યારે વધુ એક વાર આ અસરગ્રસ્તોએ આંદોલન કરી કેવડિયા કોલોની ખાતેની પૂનઃવસવાટ કચેરી, અને નર્મદા નિગમ ના અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરતા ખળભળાટ મચ્યો હતો. અંદર અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા અને બહારની જાળીને લોક મારી અસરગ્રસ્તોએ અધિકારીઓ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. અધિકારીઓને જ કોઈ કામ કરવું નથી કહી હોબાળો મચાવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ વસાહતો માં પાણી, વીજળી સિંચાઈ સહીત માર્ગ અને ખેતીની જમીનોના પ્રશ્ન ને લઈને ઉગ્ર માંગ હતી સાથે કટ ઓફ ડેટ પ્રમાણે નોકરી ની પણ માંગ હતી પરંતુ તમામ નો વાયદો સરકારે કર્યો પેકેજ પણ આપ્યું અને અધિકારીઓ ને સૂચના પણ આપી તમામ કામગીરી રાજ્યના મંત્રી અને સરકાર ના પ્રતિનિધિ તરીકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કરી પરંતુ જેના પર કોઈ અમલ આજદિન સુધી ના થતા સરકાર અને અધિકારીઓ ના વલણ સામે પુનઃ રોષ વ્યક્ત કરી અસરગ્રસ્તો ભેગા મળી તાળું લાવી પૂનઃવસવાટ કચેરી, અને નર્મદાના અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરી હંગામો મચાવ્યો હતો.

એ.એસ.પી અચલ ત્યાગી, પીઆઇ ડી.બી.શુકલા, પીએસઆઈ એસ એ.ડામોર સહીત પોલીસ કાફલો દોડી આવ્યા હતા. પોલીસ ની દખલગીરી અને સમજાવટ બાદ તાળા ખોલી દેવાયા હતા અને પુનઃ વસવાટ ના કમિશનર ને જાણ કરી જેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. જોકે આગામી દિવસોમાં કામગીરી શરૂ કરાશે ની વાત કરી હતી.

Next Story