Connect Gujarat
Featured

નર્મદા : ગોરા બ્રિજ તોડવાનું શરૂ કરાતા 15થી વધુ ગામના લોકોને હાલાકી, સાંસદ આવ્યા લોકોની પડખે

નર્મદા : ગોરા બ્રિજ તોડવાનું શરૂ કરાતા 15થી વધુ ગામના લોકોને હાલાકી, સાંસદ આવ્યા લોકોની પડખે
X

નર્મદા જીલ્લામાં સ્ટેચ્યું ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ સહિત આસપાસના 15 જેટલા ગામના લોકોને હવે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા ગોરા બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાતા હવે લોકોને માર્ગમાં 15 કિમી જેટલું વધારે અંતર કાપવું પડશે.

નર્મદા જીલ્લામાં વર્ષ 1964માં બનેલા ગોરા બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે 55 વર્ષ જૂનો બ્રીજ તોડી નખાતા હવે આ બ્રિજ એક ઇતિહાસ બની જશે. ગોરાથી વાગડીયા ગામ વચ્ચે આવેલ પાણીથી ડૂબાડૂબ ગોરા બ્રિજને નર્મદા નિગમ દ્વારા તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી 2 મશીનો કામે લાગી આગામી 10 દિવસમાં તોડી માર્ગને ખુલ્લો બનાવવામાં આવશે.

હાલ બે માળની મોટી ક્રુઝ બોટ નર્મદા નદીમાં 6 કિમી રસ્તો કાપી જળમાર્ગે પ્રવાસીઓને સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે લઇ જશે. આ સેવા માટે ગોરા બ્રિજ ખૂબ નીચો હોવાથી ક્રુઝ બોટ માટે બ્રિજ તોડવો જરૂરી જણાતા નર્મદા નિગમ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જિલ્લામાં પરીક્ષાનો માહોલ છે અને આગામી ગુરુવારથી ગુજરાત બોર્ડની પરીક્ષા પણ શરૂ થવા જઈ રહી છે, ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવ્યા વગર આ ગોરા બ્રિજ તોડી નાખવો ગેરવ્યાજબી માનવમાં આવે છે. આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ કેવડિયા અને ગરુડેશ્વર પરીક્ષા આપવા જાય છે અને સામે પાર બોરિયાથી આ તરફ પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે. જેથી પરીક્ષા ટાણે રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરી દેવું ખોટું છે, ત્યારે ભરૂચ સાંસદ મનસુખ વસવાના નિવાસ્થાને કેટલાક ગ્રામજનો રજૂઆત કરવા જતાં તેઓએ પણ નર્મદા નિગમના આવા વલણનો વિરોધ કર્યો હતો.

Next Story