Connect Gujarat
Featured

નર્મદા : SOU ની આવકના નાણા જમા નહિ કરાવી ખાનગી કંપનીએ કરી 5 કરોડ રૂા.ની ઉચાપત

નર્મદા : SOU ની આવકના નાણા જમા નહિ કરાવી ખાનગી કંપનીએ કરી 5 કરોડ રૂા.ની ઉચાપત
X

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવતાં પ્રવાસીઓની ટીકીટ તથા પાર્કિંગના નાણા બેંકમાં જમા નહિ કરાવી એક ખાનગી કંપનીએ 5 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

કેવડીયા ખાતે આવેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય મનોરંજનના સ્થળો જોવા માટે રોજના હજારો મુલાકાતીઓ આવી રહયાં છે. આ મુલાકાતીઓના પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં અમુક રૂપિયા ચાર્જ ભરી પાર્કિંગમાં પ્રવાસીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની “ફી” અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો છે. HDFC બેંકને એની જ ખાનગી એજન્સીએ 5 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું તથ્ય બહાર આવ્યું છે. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકાઉન્ટ વડોદરાની HDFC બેંકમાં છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોજના કલેક્શન માટે બેંકે કલેક્શન એજન્ટ તરીકે ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ માટે “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની” નિમણૂક કરી હતી. “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ની રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાબદાર અધિકારીઓ પાસેથી લઈ બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી.

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિસે આપેલી રોકડ રકમ અને એની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલ રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો. આ મામલે SOU તંત્રએ HDFC બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નવેમ્બર-2018થી માર્ચ-2020 સુધીના સમયગાળા દરમિયાન “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ના કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચેરી ખાતેથી 5.24 કરોડ રૂપિયા રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ના કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે.વડોદરાની HDFC બેંક દ્વારા “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ કરી છે. કેવડિયાના DYSP વાણી દુધાત આ ભ્રષ્ટાચાર મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે.

Next Story