Connect Gujarat
ગુજરાત

નર્મદાના કાંઠા ઉપર વસતા ગામોનાં ખેડૂતો જ પાણી માટે મારે છે વલખાં, સિંચાઈ માટે નથી પાણી

નર્મદાના કાંઠા ઉપર વસતા ગામોનાં ખેડૂતો જ પાણી માટે મારે છે વલખાં, સિંચાઈ માટે નથી પાણી
X

ઉકાઈ જમણા કાંઠા નહેર મારફતે આપવામાં આવતું પાણી છેલ્લા 35 દિવસથી બંધ કરી દેવાતાં ખેડૂતોની હાલત કફોડી

અંકલેશ્વર તાલુકાનાં ગામો નર્મદા નદીના કાંઠે આવેલા હોવા છતાં આજે ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આમ તો આ ખેડૂતોને નર્મદાનું નહીં પણ ઉકાઈ જમાણા કાંઠા નહેર મારફતે સિંચાઈ માટેનું પાણી પુરૂં પાડવામાં આવે છે. જે છેલ્લા 30-35 દિવસથી એકાએક બંધ કરી દેવાતાં કેનાલો સુકી ભઠ્ઠ દેખાઈ રહી છે. આ નહેરનાં પાણીનાં ભરોસે પોતાનાં ખેતરોમાં શેરડી, ઘંઉ અને શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર તાલુકાનાં ધંતુરિયા, નાંગલ સહિતનાં ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણી નહીં મળતાં મૂશ્કેલીમાં મૂકાયા છે. એક તરફ સરકાર ખેડૂતોને વિવિધ લોભામણી જાહેરાતો કરી ભોળવી રહી છે. પરંતુ ખેતી માટે પ્રાથમિક જરૂરિયાત એવું પાણી જ નહીં આપતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

નાંગલ ગામનાં સ્થાનિક ખેડૂત અગ્રણી બાલુભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, હાલ ખેડૂતો પાણીનાં અભાવે શાકભાજીના પાકમાં ભારે નુકશાન થઈ રહ્યું છે. જે ખેડૂતો માટે રોજિંદી રોજી પુરી પાડનારો પાક કહી શકાય. તો શેરડી અને ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો પોતાનાં ખેતરની આસપાસ બોરની સુવિધા ધરાવતા ખેડૂતો પાસેથી મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા છે. માત્ર એટલું જ નહીં પણ કડકીયા કોલેજ પાસેથી પસાર થતી આમલાખાડીમાંથી દુષિત પાણી થકી પણ પોતાના પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એક તરફ ખેડૂતો માટે વિવિધ પાકોનાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેતરમાં કોઈ ઉપજ પાકે જ નહીં તો ખેડૂતો શાના ટેકાનાં ભાવ લેશે.? ચોમાસુ સિઝન પણ વરસાદના અભાવે નિષ્ફળ રહી. હવે જો કેનાલ મારફતે સત્વરે પાણી નહીં મળે તો ખેડૂતોની આ રવિ સિઝન પણ નિષ્ફળ જાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

Next Story