Connect Gujarat
દેશ

આજે National press day

આજે National press day
X

“કલમ દેશ કી બડી શક્તિ હૈ; ભાવ જગાને વાલી, દિલ હી નહિ દિમાગો મેં ભી આગ લગાને વાલી”

તા.16મી નવેમ્બર 1966માં પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા કાર્યરત થઇ એ દિવસ ભારતનો પ્રેસ ડે કે ફ્રિડમ ઓફ પ્રેસ ડે છે.આ જાણીતી વાત છે પણ તા.16 નવેમ્બર રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ કે પત્રકાર દિવસ છે એ બહુ જાણીતું નથી.

આજ ના દિવસે પત્રકાર માટે કહેવાનું કે પત્રકાર વાચકને વેદના સીધેસીધી પહોંચાડે છે કે સમાનુભૂતિ કરાવે છે એ વેદનાની. પત્રકારની નીસબત વ્યક્તિલક્ષી નથી.સમૂહનો એ ચિંતક છે.ઉંડાણ અપેક્ષિત ખરું પણ વ્યાપ તો આવશ્યક. પત્રકારત્વનું પોત પાતળું ગણાય જો એ માત્ર માહિતીદાતા બની રહે. પત્રકારત્વ કોઇ સ્થિતપ્રજ્ઞ વિતરાગીની મનોસ્થિતિ નથી. પત્રકારત્વ સમાજના હિતરાગી સ્થિતિપ્રજ્ઞની કાર્ય અને કર્મશીલતા છે.તટસ્થતા એ પત્રકારત્વનો અવગુણ જ નહીં દૂષણ ગણાય. કારણ યોધ્ધો કદી તટસ્થ ન હોય.તથ્ય અને હિત(સમાજનું)એ પત્રકારત્વનો પક્ષ છે.

પત્રકારત્વનો સમાજ એટલે માણસો જ નહીં, પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણીમાત્રના સંવર્ધનની ચિંતા અને એના વિક્ષેપ કે વિનાશ સામે દ્વંદ્વ. સાચા છે પણ હારી રહ્યા છે એમનું બેલી તે પત્રકારત્વ.દીવા અને તોફાનની લડાઇમાં દીવાના પક્ષધર થવું એ પત્રકારત્વ.

પત્રકારત્વનું સત્ય એ તથ્યોની તપાસ અને નિષ્કર્ષ છે. આ તપાસ અને નિષ્કર્ષ માટે પત્રકારત્વનો વિવેક એ ઓજાર છે. પત્રકારત્વમાં ભૂલ ક્ષમ્ય, બનાવટ હરગીજ નહીં.પત્રકારત્વનું મૂલ્ય જ એ છે કે પરિશુધ્ધ કરીને તથ્યોથી સમાજને અવગત કરે.કારણ કે એ તથ્યોના આધારે સમાજ અભિપ્રાય બાંધતો હોય છે.તથ્ય ખોટાં કે ભેળસેળીયાં તો સમાજના અભિપ્રાય પણ એવા ને અભિપ્રાય દૂષિત તો પ્રતિભાવ પણ નઠારા.

પત્રકારત્વ કંઇ કાસદગીરી નથી.ખાકસારી છે.ધૂળધોયા જેમ માટી-કાદવને ધોયે જાય છે વારંવાર એમ જ ઘટનાઓ, મંતવ્યોને તપાસી-તલાશી તથ્યની કરચ શોધી કાઢવી પડે છે. પત્રકારત્વ કોઇ પારકી માહિતી પર અવલંબી ન શકે. પત્રકારત્વ તો સમાજનું નિયામક અને નિર્ણાયક બળ છે. આજે એ ચિંતનનો દિવસ છે.

Next Story