Connect Gujarat
Featured

નવસારી : સબસીડીવાળું ખાતર રાજ્ય બહાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ, જુઓ પોલીસે કોની કરી ધરપકડ..!

નવસારી : સબસીડીવાળું ખાતર રાજ્ય બહાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ, જુઓ પોલીસે કોની કરી ધરપકડ..!
X

ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર રાતદિવસ મહેનત કરી રહી છે. જેમાં વિવિધ સહાય યોજનાઓ અમલમાં લાવી ખેડૂતોને બેઠા કરવા પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ ખેડૂતોના નામે સબસીડાઈઝ વસ્તુની મોહમાયાના બનાવો પણ બનતા હોય છે. જેમાં નવસારી જિલ્લાના ચીખલી અને ત્યારબાદ વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું ખાતર કાયદાની ઉપરવટ જઈ અન્ય રાજ્યોમાં વેચાણ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી, ત્યારે આ કામગીરી કરનાર વાંસદાના એગ્રો સંચાલક સામે પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી છે.

ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ ખાતરોમાં સબસીડી આપવામાં આવે છે. રાજ્ય સરકારના નિયમ મુજબ ખેડૂતોના થંબનેલ લઈને ખેડૂતોને સબસીડીવાળું ખાતર આપવામાં છે, ત્યારે જેમાં વાંસદા તાલુકાની એબીસી કંપની દ્વારા ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતર ખરીદવાનું બિલ બનાવી કાયદા વિરુદ્ધ રાજ્ય બહાર વેચવાનું કામ કરતા એબીસી એગ્રોના સંચાલક ચિરાગ પટેલની વાંસદા પોલીસે ધરપકડ કરી છે.

રાજ્ય સરકારની મંજુરી લીધા બાદ સબસીડાઈઝ ખાતર વેચવા માટે ખેડૂતોના થંબનેલ લેવામાં આવે છે. સરકાર દ્વારા રાજ્ય બહાર સબસીડાઈઝ ખાતર વેચવા માટે સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમ છતાં ચિરાગ પટેલ અને તેમની કંપની દ્વારા સેલવાસ ખાતે વન વિભાગને 200 જેટલી ગુણી ખાતર વેચવામાં આવ્યું છે. જે બાબતે ખેતીવાડી અધિકારીને માલુમ પડતાં વધુ તપાસ કરી હતી. જેમાં ઓછું ખાતર લેનાર ખેડૂતોના નામે વધુ ખાતરનું બિલ બનાવી અન્ય વિસ્તારમાં ખાતર વેચાણ કર્યાનું ધ્યાને આવતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા ચિરાગ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ચીખલી તાલુકામાં પણ એક સપ્તાહ પહેલા આ જ પ્રકારના બનાવમાં એક એગ્રો સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. વાંસદા તાલુકામાં આ બીજી ઘટના બની છે, ત્યારે કોરોનાના કારણે ખાતર વેચાતું ન હોય તેવા સમયે એગ્રોના સંચાલકે પોતાની મોડસ ઓપરેન્ડી દ્વારા ખેડૂતોના નામે ખાતર લઈ સેલવાસ ખાતે વેચ્યું હતું. જેમાં રાજ્ય સરકારની સબસીડી હેઠળ ખાતર વેચાણના નિયમનો ભંગ તેમજ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી નવસારી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે નવસારી જિલ્લાના 2 એગ્રો સંચાલકો દ્વારા સબસીડીવાળું ખાતર રાજ્ય બહાર વેચવામાં આવતા અન્ય એગ્રો સંચાલકોમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.

Next Story