Connect Gujarat
Featured

નેત્રંગ : સતત વરસાદથી પાણીની વિપુલ આવક, પીંગોટ-ધોલી ડેમ થયાં ઓવરફ્લો

નેત્રંગ : સતત વરસાદથી પાણીની વિપુલ આવક, પીંગોટ-ધોલી ડેમ થયાં ઓવરફ્લો
X

ભરુચ જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદથી વિપુલ માત્રામાં નવા નીરની આવક થઈ છે. જેને લઈને નેત્રંગ તાલુકાના પીંગોટ-ધોલી ડેમ ઓવરફ્લો થયા છે,જ્યારે બલદવા ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના સાતપુડા ડુંગરના વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં વર્ષો પહેલા રાજ્ય સરકારે ટોકરી નદી ઉપર બલદવા,પીંગોટ અને મધુવંતી નદી ઉપર પીંગોટ ડેમનું નિર્માણ કર્યું હતું. આ ડેમ ભરૂચ જીલ્લાના વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં લોકો માટે આશીર્વાદરૂપ છે. ખેડૂતો તેમજ પશુ-પક્ષીઓ માટે પીવા તેમજ સિંચાઇ માટે પાણી મળી રહે છે.

નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજ મન મુકીને વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી છે,જેમાં ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે સુકાયેલા બોર, કુવા, નદી-નાળા સહિત જળાશયો પાણીથી છલકાય ઉઠ્યા છે, સાથે-સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બલદવા, ધોલી અને પીંગોટ ડેમમાં નવા નીરની આવક થઈ છે.

જેમાં મુખ્યત્વે ધોલી ડેમના ઉપરવાસમાં ૬૯૭ એમએમ વરસાદ થતાં ઓવરફ્લોની સપાટી ૧૩૬.૧૦ મીટર વટાવતા હાલ ડેમ સતત ૧૦ સે.મી જેટલો ઓવરફ્લો થઇ રહ્યો છે,પીંગોટ ડેમના ઉપરવાસમાં ૧૧૦૦ એમએમ વરસાદ થતાં ૧૩૯.૭૦ ઓવરફ્લોની સપાટી વટાવતા ડેમ ૨ સે.મી ઓવરફ્લો થઇ રહ્યો છે,જ્યારે બલદવા ડેમના ઉપરવાસમાં ૧૧૦૯ એમએમ વરસાદ થતાં ડેમની સપાટી ૧૪૧.૫૦ મીટર સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સતત સપાટીમાં વધારો થતાં બલદવા ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ત્રણેય ડેમ વરસાદી પાણીથી છલોછલ ભરાતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

Next Story