મુન્દ્રાના ઝરપરા પાસે ટ્રેનની અડફેટે ગૌવંશના મોતનો મામલો  

અદાણી સામે ગ્રામજનોનો રોષ,રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજામ

લેખિત બાંહેધરી, વળતર અને ટ્રેકની બંને બાજુ ફેન્સિંગની ઉગ્ર માંગણી

અદાણી સોલાર,પોર્ટ,ઝરપરા જતા માર્ગો બંધ કરતા વાહનવ્યવહાર ઠપ

લેખિતમાં માંગણીઓ સ્વીકારવાની સ્થાનિકોએ કરી ઉગ્ર માંગ   

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીક ગૌવંશના કરુણ મોતને પગલે ગ્રામજનો અને ગૌપ્રેમીઓમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.

કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ નજીક ગૌવંશના કરુણ મોતને પગલે ગ્રામજનો અને ગૌપ્રેમીઓમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. અદાણી રેલવે લાઇન પર માલગાડીની અડફેટે આવી જતાં 15થી વધુ ગૌવંશના કરુણ મોત નિપજ્યા છે.

આ ઘટનાના વિરોધમાં નવીનાળ-ઝરપરા બાળ બ્રહ્માણી ફાટક પાસે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. અદાણી સોલારથી અદાણી પોર્ટ અને નવીનાળથી ઝરપરા જતા માર્ગો બંધ કરી દેવાતા વાહનવ્યવહાર પથ્થર બની ગયો હતો.

સ્થાનિકોએ માંગ કરી હતી કે મૃત ગૌવંશના માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે,અને સ્થાનિક ગૌશાળાને દાન અને લીલા ચારાની વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી.તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટના અટકાવવા રેલવે ટ્રેકની બંને બાજુ મજબૂત ફેન્સિંગની માંગ પણ સ્થાનિકોએ કરી હતી.

માત્ર મૌખિક આશ્વાસન નહીં, પરંતુ તમામ માંગણીઓનો લેખિતમાં સ્વીકાર ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો ગ્રામજનોએ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. સ્થળ પર પોલીસ કાફલો તૈનાત હોવા છતાં મોડી રાત સુધી કોઈ ઉકેલ ન આવતા તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.