ટંક‍ારીયા થઇ ભરૂચને જોડતો રાજ્ય ધોરીમાર્ગ હિંગલ્લા ગામ સુધી બિસમાર બન્યો

ભરૂચ જિલ્લાના પાલેજથી વાયા ટંક‍ારીયા થઈ ભરૂચને જોડતો રાજ્ય ધોરીમાર્ગ હિંગલ્લા ગામ સુધી બિસમાર બનતાં વાહનચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયાના પણ બે માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા બિસમાર માર્ગનું સમારકામ હાથ ધરાયું નથી. જેથી વાહનચાલકો સહિત ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

પાલેજથી હિંગલ્લા સુધી માર્ગ ઠેર ઠેર ઉબડખાબડ થઇ ગયો હોવાથી વાહનચાલકોને ધીમી ગતિએ ચાલી રહ્યા છે. જેથી સમયનો વેડફાટ થવાની સાથે મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે.  ને. હા. ૪૮ ઉપર હાલ ટ્રાફિકનું ભારણ વધતા અને અકસ્માતોના પ્રમાણમાં વધારો થતા નાના વાહનચાલકો અને મુખ્યત્વે રીક્ષા તથા બાઇક જેવા વાહનો કામકાજ અર્થે ભરૂચ જવા માટે પાલેજ વાયા ટંકારીયા માર્ગનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.

હાલમાં જ પાલેજ થઇ કિશનાડથી ઠિકરીયા સુધીનો માર્ગ લાખો રૂપિયાના ખર્ચે નવા વાઘા સજી રહ્યો છે. ત્યારે હાર્દસમા પાલેજથી હિંગલ્લા સુધીના આ બિસમાર બનેલા માર્ગના સમારકામ માટે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કેમ રાખવામાં આવે છે એવી પણ લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. વધતા જતા ટ્રાફિકના પગલે હવે પાલેજ – ભરૂચ વાયા ટંકારીયા માર્ગને ફોરલેનમાં પણ પરિવર્તિત કરવાની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે.

ચૂંટણી ટાણે ભોળા મતદારો પાસેથી મતોની લણણી કરી મધમીઠા વચનોની લ્હાણી કરી ચૂંટણી જીત્યા બાદ મતદારોથી વિમુખ થતા રાજકિય પક્ષોના નેતાઓ પરથી હવે પ્રજાનો વિશ્વાસ ડગમગવા માંડ્યો છે. પાલેજ થી હિંગલ્લા સુધીના બિસમાર માર્ગના સમાચારો સમાચારપત્રો તેમજ ઇલેક્ટ્રોનિક મીડીયામાં ચમકે છે ત્યારે તંત્ર દ્વારા માત્ર નામ પુરતુ પેચવર્ક કરી કામ અધુરૂ છોડી દેવાતી હોવાની પણ લોકચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

બિસમાર માર્ગ બાબતે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રનું પેટનું પાણી ન હાલતા લોકોમાં તંત્ર સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે બાબતે લોકોના રોષનો પડઘો આગામી લોકસભા – ૨૦૧૯ ની ચૂંટણીમાં પ્રચંડ વિરોધરૂપે વિસ્ફોટ બની પ્રગટ થાય તો નવાઇ પામવા જેવું નહીં હોય ચૂંટણીમાં મતદારો રાજકિય પક્ષોના નેતાઓને ચૂંટણીમાં પાઠ ભણાવશે એમ લોકોના રોષ ઉપરથી જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા પાલેજથી હિંગલ્લા સુધીના બિસમાર થઇ ગયેલા માર્ગનું તાકિદે સમારકામ હાથ ધરાય એવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

LEAVE A REPLY