Connect Gujarat
ગુજરાત

પાનમ નદીના પટમાં મુકાયેલ હિટાચી મશીનને ૧ વર્ષના લાંબા સમયબાદ બહાર કાઢવાની પ્રવૃત્તિઓ ગેરકાયદે પાળા બનાવી થઈ શરૂ

પાનમ નદીના પટમાં મુકાયેલ હિટાચી મશીનને ૧ વર્ષના લાંબા સમયબાદ બહાર કાઢવાની પ્રવૃત્તિઓ ગેરકાયદે પાળા બનાવી થઈ શરૂ
X

  • નદીના વહેતા પાણીના પ્રવાહને અવરોધ સર્જાય એવો ગેરકાયદે પાળો રાતોરાત બાંધી દેવામાં આવ્યો.
  • હીટાચી મશીન ગત વર્ષે ઉપરવાસમાં આવેલા ભારે વરસાદને કારણે નદીમાં સંપૂર્ણ ડૂબી ગયું હતું.
  • આ હીટાચી મશીન ગત વર્ષે નદીના પટમાં કેમ મુકવામાં આવ્યું હતું આ તપાસ જરૂરી નથી કે શું?
  • આ વિશાળકાય હીટાચી મશીનને કાઢવાની તજવીજની તૈયારીઓ તંત્રને કેમ દેખાતી નથી?

દેવગઢ બારીઆ પાનમ નદીમાં ગત વર્ષે ડૂબી ગયેલ હીટાચી મશીન અંગેના અકબંધ રહસ્યો વચ્ચે આ હીટાચી મશીનને બહાર કાઢવા પાણીના પ્રવાહને રોકીને પાળો તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ખાણ ખનીજ ખાતાથી લઈ સ્થાનિક વહિવટી તંત્રના એક પણ અધિકારી તપાસ કરવા તૈયાર નથી.

દેવગઢ બારીયા નગરને અડીને આવેલા પાનમ નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર અને ઓવરલોડ વાહનોને રોકટોક વગર પસાર થવા દેવા સંલગ્ન વહિવટી તંત્ર હંમેશા જાગૃત હોવાના દેખાવો કરે છે ત્યારે આજ વહિવટી તંત્રને ગત ચોમાસામાં નદીના પુરમાં ડુબી ગયેલું હિટાચી મશીન કોનું હતું તે અંગેની તપાસ તંત્રએ આજ સુધી કરી નથી તેમજ નદીનો પટ સુકાઈ જતા આ હિટાચી મશીનને બહાર કાઢવા માટે નદીના વહેતા પાણીના પ્રવાહને અવરોધ સર્જાય એવો ગેરકાયદે પાળો રાતોરાત બાંધી દેવામાં આવ્યો છે. દેવગઢ બારીયા નગરમાં પ્રવેશવાના પુલ ઉપરથી પસાર થનારા દરેક વ્યક્તિઓને છેલ્લા એક વર્ષથી બિનવારસી હાલતમાં રહેલા હિટાચી મશીનને જોઈ રહ્યા છે.

પરંતુ દેવગઢ બારીયા તાલુકાના વહિવટી તંત્રના એક પણ અધિકારી સાહેબ બનીને આ તપાસ કરવાની જવાબદારીઓમાંથી બેખબર કેમ રહ્યા છે.એ પ્રજાજનોને બિલકુલ સમજાતુ નથી, તો પાનમ નદીના જાણે માલીક હોવાના રૂઆબો સાથે રેતીની લીઝોનો કાયદેસર અને ગેરકાયદે વ્યાપારના સંપુર્ણ જાણકાર ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ પણ નદીમાં ડુબી ગયેલા હિટાચી મશીનના ચોકાવનારા રહસ્યોના ચોપડાઓ શોધવા તૈયાર તો ન હતા પરંતુ રેતી ખનન માટે ઉતારવામાં આવેલા આ હિટાચી મશીનને એક વર્ષના લાંબા સમયગાળા બાદ બહાર કાઢવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ છે.ત્યારે આ મશીનના માલીકો કોણ હતા ? તેઓ પાસે રેતીની લીઝનો પરવાનો હતો કે કેમ ? કોઈક દ્વારા આ મશીન ભાડે આપીને ઉતારવામાં આવ્યુ હતુ કે કેમ ? વિ . પ્રશ્નોના જવાબો શોધવા માટે પણ ખાણ ખનીજ ખાતાના સાહેબોની અદ્રશ્ય પ્રવૃત્તિઓ પણ લોકચર્ચાઓમાં છે.

એક વર્ષ પહેલા દેવગઢ બારીયા નગરને અડીને આવેલ પાનમ નદીમાં આ હિટાચી મશીન ઉપરવાસમાં આવેલા ભારે વરસાદમાં સંપૂર્ણ ડુબી ગયું હતુ આ બિનવારસી જેવી હાલતમાં એમ જ પડી રહ્યું હતુ. આ હિટાચી મશીન નદીના પટમાં રેતી ઉલેચવા માટે જ ઉતારવામાં આવ્યું હોય આ દિવા જેવી સ્પષ્ટ બાબતમાં દેવગઢ બારીયા નગરમાં આવેલ વહિવટી તંત્રની એક પણ કચેરી આ જવાબદારીઓ સ્વીકારીને તપાસ કરવા તૈયાર જ નથી. આ હિટાચી મશીન ગત વર્ષે પાનમ નદીના પુરમાં ગરકાવ થયુ ત્યારે કહેવાતું હતું કે દેવગઢ બારીયા નગર પાલીકાના સત્તાવાળાઓ દ્વારા કાંપની સફાઈ માટે આ કામગીરી સુપ્રત કરી એના ભાગરૂપે ઉતારવામાં આવ્યું હતુ. પરંતુ કાંપની સાફ - સફાઈઓ તો દેવગઢ બારીઆ નગરને પાણી પુરૂ પાડનાર ચેકડેમ પાસે કરવાના બદલે પુલની પાસે કેમ મુકવામાં આવ્યું હશે ?

એક વર્ષ બાદ પાનમ નદીના જળપ્રવાહમાંથી બહાર આવેલા હિટાચી મશીનને બહાર કાઢવા માટેના અદ્રશ્ય ચહેરાઓએ પાણીનો પ્રવાહ રોકીને નદીના પટમાં પાળો બનાવ્યો છે . આ સંદર્ભમાં દેવગઢ બારીઆ પાલીકાના સત્તાધીશોને પુછવામાં આવ્યું ત્યારે તેઓ આ મામલામાં જાણતા હોવા છતા પણ નથી જાણતા હોવાના દેખાવોના જવાબ આપે છે . સામાન્યતઃ પોલીસ તંત્ર દ્વારા આવા બિનવારસી જેવા વાહનોને ડીટેઈન કરીને માલીકોને શોધવાના પ્રયત્ન કરતા હોય છે, ત્યારે આ પોલીસ તંત્રની નજરોમાં આ હિટાચી મશીન દેખાય છે ખરૂ ?

પરંતુ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હોય આ જણાતુ નથી. જો કે દેવગઢ બારીઆ નગરને અડીને આવેલ પાનમ નદીમાં એક વર્ષ પહેલા ડુબેલા અને અત્યારે પાળો તૈયાર કરીને બહાર કાઢવામાં આવી રહેલા આ હિટાચી મશીન સંદર્ભમાં ખાણ અને ખનીજ ખાતાની તપાસ કરવાની જવાબદારીઓ હોય છે . પરંતુ બે - ચાર ટ્રેક્ટરો અને ટ્રક ઝડપીને લાખો રૂપિયાનો દંડ કરીને વાહનો સીઝ કરનાર ખાણ ખનીજ ખાતાને આ વિશાળકાય હિટાચી મશીન અને બહાર કાઢવાની તજવીજની તૈયારીઓ કેમ દેખાતી નથી આ રહસ્યમય ચર્ચાઓ દેવગઢ બારીઆના પ્રજાજનોમાં દેખાઈ રહી છે.

Next Story