Connect Gujarat
ગુજરાત

લ્યો બોલો, પાણી પુરીની એક ડીશ ૬.૫૦ લાખમાં પડી.....! !

લ્યો બોલો, પાણી પુરીની એક ડીશ ૬.૫૦ લાખમાં પડી.....! !
X

હીરા પેઢીનો કર્મચારી પાણી પુરી ખાવા માટે ઊભો રહ્યો ત્યાં ગાડીની ડીકીમાંથી રોકડની ઉઠાંતરી

નિર્મળનગર માધવરત્ન સામે CCTVના લેશ માત્ર ખૌફ વિના ગઠિયાની કળા

ભાવનગર શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને પાણીપુરીની એક ડીશ ૬.૫૦ લાખમાં પડી છે. સામાન્ય રીતે આટલી મોંઘી પાણીપુરીની વાત સાંભળીને કદાચ આશ્ચર્ય થાય પરંતુ આવો જ એક કિસ્સો ભાવનગર શહેરમાં તાજેતરમાં બન્યો છે.

શહેરના નિર્મળનગર વિસ્તારમાં માધવરત્ન બિલ્ડીંગ સામેના ભાગમાં સરિતા સોસાયટીમાં હિરા પેઢીનો એક કર્મચારી માત્ર એક પ્લેટ પાણીપુરી ખાવા ઊભો રહ્યો ત્યાં તેના સ્કુટરની ડીકીમાં રાખેલા ૬.૫૦ લાખ રોકડા સેરવીને ગઠીયો ફરાર થયો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને નેત્રની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ડિવાઇન સ્ટાર ડાયમન્ડ પેઢીનો કર્મચારી તેમની બીજી શાખામાં રોકડ રકમ લેવા ગયા હતા ત્યાંથી રોકડ રૂપિયા ૬.૫૦ લાખ લઇને ગાડીની ડીકીમાં રાખી માધવરત્ન બિલ્ડીંગથી ૫૦ મીટર દૂર આવેલી પાણીપુરીના લારી પાસે ગાડી પાર્ક કરી પાણીપુરી ખાઇ રહ્યો હતો તે અરસામાં ગઠિયો ગાડીની ડીકી તોડી તેમાં રાખેલા ૬.૫૦ લાખ સેરવી ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ અને ક્રાઇમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે પોલીસતંત્રની તીસરી આંખ નેત્રની મદદથી તપાસ હાથ ધરી હતી. ઘટના ઘટી તેની સામે જ કેમેરા હોય પરંતુ તેનો લેશ માત્ર ખૌફ રાખ્ય વિના ગઠિયો લાખોની રોકડ સેરવી ફરાર બન્યો હતો ત્યારે આવી ઘટના પરથી લોકોએ બોધપાઠ લેવા જેવો ખરો નહીતર પાણીપુરી જેવી સામન્ય બાબતો ખુબ મોંઘી પડી શકે છે.

Next Story