Connect Gujarat
Featured

માવતર હવે બાળકોને કરાવે છે ઝેરના પારખાં, રાજયમાં સામુહિક આપઘાતના વધ્યાં બનાવો

માવતર હવે બાળકોને કરાવે છે ઝેરના પારખાં, રાજયમાં સામુહિક આપઘાતના વધ્યાં બનાવો
X

વડોદરાના સોની પરિવારના સામુહિક આપઘાત બાદ હવે આણંદમાં સામુહિક આત્મહત્યાની ઘટના.. આ બંને ઘટનાઓ પાછળ આર્થિક સંકડામણને જવાબદાર ગણવામાં આવી રહી છે. શું લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે કે લોકો અત્યંત ક્રુર પગલું ભરતાં પણ ખચકાઇ રહયાં નથી. મા-બાપ પોતે આપઘાત કરી રહયાં છે પણ તે પહેલાં પોતાના વ્હાલસોયા સંતાનોની હત્યા કરી નાંખે છે....

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં બનેલી સામુહિક આપઘાતની ઘટનાઓએ સૌને હચમચાવી દીધી છે. વડોદરામાં ચાર વર્ષીય પૌત્રને ઝેર આપતાં દાદાના હાથ ધ્રુજયાં ન હતાં જયારે આણંદમાં પોતાની પુત્રી અને પુત્રને ઝેરી ગોળીઓ ખવડાવતી વેળા માની મમતા આડે આવી ન હતી. વડોદરાના સમા વિસ્તારમાં રહેતાં સોની પરિવારે જમીનમાં દટાયેલું ગુપ્તધન મેળવવા જયોતિષોને મોં માંગ્યા રૂપિયા આપ્યાં હતાં. જયોતિષીઓએ વિવિધ પુજાના નામે 32 લાખ રૂપિયાથી વધારેની રકમ ખંખેરી લેતાં સોની પરિવારને બે ટંક ખાવાના ફાંફા પડી ગયાં હતાં. મકાન વેચ્યું વેચી દીધી દુકાન પણ ન આવ્યો આર્થિક સંકડામણનો અંત.. જયોતિષોની ચુંગાલમાં ફસાયેલાં સોની પરિવારે સામુહિક આપઘાત કરતાં પહેલાં પુત્રીની સાયકલ પણ 500 રૂપિયામાં વેચી દીધી હતી. પરિવારના મોભી એવા દાદાએ સોફટડ્રીંકસમાં પેસ્ટીસાઇડ નાંખીને પોતાના ચાર વર્ષીય પૌત્રને આપી હતી અને પરિવારના અન્ય સભ્યો સ્વેચ્છાએ ઝેર પી ગયાં હતાં. ઘટનામાં માસુમ પાર્થ સહિત ત્રણ લોકોના મોત થયાં છે જયારે બે લોકો જીવન મરણવચ્ચે ઝોલા ખાઇ રહયાં છે. બચી ગયેલાં ભાવિન સોનીએ સમગ્ર આપવીતી જણાવતાં આખો કેવી રીતે આખો ખેલ ખેલાયો હતો તે લોકો સમક્ષ આવ્યું છે.


વડોદરા બાદ સામુહિક આપઘાતનો બનાવ આણંદમાં બન્યો હતો. આણંદ શહેરમાં જીવનદીપ સોસાયટીમાં મૂળ મથુરાના પણ વર્ષોથી ધંધાર્થે આણંદ શહેરમાં સ્થાયી થયેલા પ્રકાશ શાહના પત્ની ટીનાએ પોતાના 12 વર્ષીય પુત્ર મીત અને 15 વર્ષીય પુત્રી તુષ્ટીને ઝેરી દવાની ગોળીઓ ખવડાવી પોતે પણ ગોળીઓ ખાઇ લીધી હતી. આ સનસનીખેજ ઘટનામાં માતા અને પુત્રનું મોત નીપજયું છે જયારે પુત્રી હોસ્પિટલના બિછાને છે. વડોદરા અને આણંદમાં બનેલી ઘટનામાં સામ્યતા જોવામાં આવે તો વડોદરાની ઘટનામાં ઝેરી દવા પી લીધા બાદ પરિવારે જ પોલીસને ફોન કરી જાણ કરી હતી. આણંદમાં પુત્રીએ પોતાના પિતાને ફોન કરી ઘટના વિશે માહિતી આપી હતી. સોની પરીવારના 3 સભ્યોને જયારે આણંદમાં પુત્રીને જીવીત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં સફળતા મળી હતી. બંને ઘટનાઓમાં આર્થિક સંકડામણે પરિવારનો માળો પીખી નાંખ્યો હોવાનું બહાર આવ્યું છે. હવે જોઇએ સામુહિક આપઘાતની ઘટનાઓ અંગે અમદાવાદના જાણીતા મનોચિકિત્સક શું કહી રહયાં છે..


જીંદગીથી નાસીપાસ થયેલા લોકો જીવનનો અંત આણવા સુધી પહોંચી જતાં હોય છે. પોતાની સાથે પરિવારના બીજા નિર્દોષ સભ્યોની હત્યા કરી પોતે આત્મ હત્યા કરી લેવી તે કેટલું યોગ્ય.. પોતાના વ્હાલસોયા સંતાનોને મોતની આગોશમાં મોકલી આપતાં માવતર હવે ખચકાઇ રહયાં નથી. કદાચ પોતાના મોત બાદ સંતાનોનું શું થશે તેવા વિચારો મા - બાપ કે પછી દાદાને ક્રુર બનાવી દેતાં હોય તેમ લાગે છે. પરિવારના અન્ય સભ્યોને મારી પોતે મરી જવું એ કોઇ બહાદુરીની નિશાની નથી પણ વગર વિચાર્યે ભરાયેલાં પગલાંથી વિશેષ કઇ નથી. કોઇ પણ સમસ્યા હોય કે પ્રશ્ન તમે તમારા મિત્રો કે મનોચિકિત્સક તબીબ સાથે શેર કરી શકો છો પણ આપઘાત કોઇ સમસ્યાનો હલ નથી એ વાત ચોકકસ છે..

Next Story
Share it