૬૦૦ વર્ષ પહેલા બનેલા બનાવના માનમાં ગામના ભાઈઓ અને બહેનો આ પરંપરાને યથાવત રાખશે

સમગ્ર ભારતભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રવણ સુદ પૂનમના દિવસે મનાવમાં આવે છે, પરંતુ આજે અમે તમને એક એવું ગામ કે જે છેલ્લા ૬૦૦ વર્ષથી રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવતો નથી. સમી તાલુકાના ઘોઘાણા ગામની ૬૦૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે.

સમગ્ર ભારતમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો પર્વ રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ભાઈને રેશમના દોરાની રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લે છે, જયારે ભાઈ પણ રેશમના તાંતણે બંધાયા બાદ જીવનભર તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ભારતભરમાં રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે અને દરેક ધર્મના લોકો ખુબજ ધામધૂમથી આ પર્વને ઉજવે છે, પરંતુ પાટણ જિલ્લાના સામી તાલુકાના ગોધાણા ગામમાં છેલ્લા ૬૦૦ વર્ષથી રક્ષાબંધનનો પર્વ ઉજવાતો નથી. કદાચ સાંભળીને માન્યામાં ન આવે, પરંતુ આ ગામમાં ૬૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ બહેનો રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી.

ગોધાણા ગામમાં ૬૦૦ વર્ષ પહેલા ગામના ૪ વીરાઓએ ગામની સામાજિક પરંપરામાં ભાગ લીધો હતો અને તે પ્રમાણે ભાગ લેનારને તે સમયે બળેવીયા તરીકે બોલાવવામાં આવતા.. ગામના તળાવમાંથી જે પુરુષ સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે આવી તે સમયની લોકવાયકા હતી,

પરંતુ ૬૦૦ વર્ષ પહેલા રક્ષાબંધનના પર્વ પર તળાવમાંથી શ્રીફળ નીકાળવા ગયેલા ગામના 4 વીરાઓમાંથી એકપણ વીરો બહાર આવી નહોતી. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અને તે દિવસે રક્ષાબંધનના પર્વને ગામમાં કોઈએ ઉજવ્યો નહોતો. પરંતુ ગામના આ જ તળાવમાંથી શ્રીફળ બહાર લાવવા તળાવમાં પડેલા ૪ વીરાઓ ૨૮ દિવસ બાદ જીવતા બહાર આવ્યા હતા અને ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો. ભાઈઓ બહાર આવતા જ બહેનોએ તે દિવસે ભાઈઓને રાખડી બાંધી હતી અને ત્યારથી આજ દિવસ સુધી ગામમાં ૬૦૦ વર્ષથી ચાલતી પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવે છે.

ભલે શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં મનાવાતો ભાઈ બહેનનો પર્વ રક્ષાબંધનનો પર્વ ગોધાણા ગામમાં ન મનાવાતો હોય, પરંતુ ગામમાં ચાલી આવતી ૬૦૦ વર્ષની પરંપરા મુજબ રક્ષાબંધનના પર્વથી ૨૮ દિવસ બાદ એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનનો તહેવાર આખું ગામ ધૂમધામથી ઉજવે છે. તે દિવસે ગામમાં રહેતી બહેનો તેમજ બહાર રહેતી બહેનો ભાઈઓને રાખડી બાંધે છે અને આખું ગામ ગામની બહાર આવેલ મંદિરે એકઠું થાય છે અને તે દિવસે ગામમાં ઉજવણી પણ થાય છે તો સાથે સાથે મેળો પણ ભરાય છે.

ભલે ગામમાં રક્ષાબંધનના પર્વને શ્રાવણ સુદ પૂનમના દિવસે ના મનાવાતો હોય. ગામમાં ચાલતી ૬૦૦ વર્ષની પરંપરા આજેય ગામલોકોએ પ્રેમથી સ્વીકારી છે અને આવનારા સમયમાં પણ લોકવાયકા પ્રમાણે ૬૦૦ વર્ષ પહેલા બનેલા બનાવના માનમાં ગામના ભાઈઓ અને બહેનો આ પરંપરાને યથાવત રાખશે તેવું તેમનું કહેવું છે.

LEAVE A REPLY