Connect Gujarat
ગુજરાત

PM મોદીના હસ્તે થશે સૌરાષ્ટ્રની મહત્વકાંક્ષી “સૌની” યોજનાનો પ્રારંભ

PM મોદીના હસ્તે થશે સૌરાષ્ટ્રની મહત્વકાંક્ષી “સૌની” યોજનાનો પ્રારંભ
X

આજી, ઊંડ, મચ્છુ સહિતના જળાશયો નર્મદાના નીરથી ભરાશે

સૌરાષ્ટ્ર ની મહત્વની યોજના "સૌની યોજના"નો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ 30મી ઓગષ્ટના રોજ કરવામાં આવશે. નર્મદા નદીના પાણીથી આજી, ઊંડ અને મચ્છુ સહિતના જળાશયો પ્રાથમિક ધોરણે ભરીને આ યોજના ખુલ્લી મુકાશે.

મળતી માહિતી અનુસાર આગામી તારીખ 30ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. તારીખ 30ના રોજ સૌપ્રથમ તેઓ જામનગર એરપોર્ટ ખાતે વિમાન મારફતે આવશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સણોસરા મુકામે આવી પહોંચશે.

વડાપ્રધાન દ્વારા “સૌની” યોજનાનું લોકાર્પણ આજી-3 ડેમ ખાતે કરવામા આવશે. સૌની યોજનાના લોકાર્પણ બાદ મોદી સણોસરા ગામ ખાતે જ સભા સંબોધશે. વડાપ્રધાન આવવાના હોઇ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સભાસ્થળે જ એક વિશાલ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકાર્પણના કાર્યક્રમમાં જંગી મેદની ઉપસ્થિત રહે તે માટે રાજકોટ અને જામનગર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં કુલ 1 થી 1.25 લાખ લોકોની મેદની એકઠી થાય તેવી સુચના આપવામાં આવી છે અને તેની જવાબદારી દરેક જિલ્લા કલેકટર તંત્રને સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં આ કાર્યક્રમમાં લોકોને લાવવા અને મુકવા જવા માટે સ્પેશિયલ બસો મુકવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારાઓ માટે ફુડ પેકેટસ, પીવાના પાણીની બોટલ, પાઉચ તથા ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરવા આયોજન કરાયું છે.

વડાપ્રધાનના કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલા, જશવંતસિંહ ભાભોર, મનસુખ માંડવીયા સહિત ચાર કેન્દ્રીય મંત્રી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જયેશ રાદડીયા સહિતના રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પાણીની કાયમી અછત ભોગવતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં નર્મદા નદીના જળ સિંચાઈ અને પીવાના ઉપયોગ તરીકે પહોંચાડવા અંદાજિત 12000 કરોડની આ બહુહેતુક યોજનાનું સ્વપ્ન સેવ્યુ હતુ. જે સાકાર થવા જઈ રહ્યુ છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રના આશરે 115 જળાશયો ડેમ નર્મદા નદીના પાણીથી ભરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની ક્ષમતામાં કૃષિ ક્રાંતિને નવું બળ આપવાની રાજ્ય સરકારની કટ્ટીબદ્ધતા સાકાર થશે. રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લાને સાંકળતા આજી ડેમ નજીક આ કાર્યક્રમ તારીખ 30મી ઓગષ્ટ ના રોજ સવારે 10 વાગે યોજાશે. આ યોજનાથી સૌરાષ્ટ્રના ગામોની લાખો હેક્ટર જમીનને બારમાસી સિંચાઈ સુવિધા મળતી થશે.

Next Story
Share it