Connect Gujarat
Featured

PM નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીનો શુભારંભ કરાવશે

PM નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીનો શુભારંભ કરાવશે
X

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી 386 કિલોમીટરની પદયાત્રાથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડોક્ટર સુદર્શન આયંગર ઉપસ્થિત રહેશે.

સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્ત્વના 6 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે. આ મહોત્સવ અંતર્ગત દેશના આઝાદી સાથે ચિરસ્મરણીય સ્થળો જેવા કે, રાજકોટ, કચ્છના માંડવી, પોરબંદર, વડોદરા, સુરતના બારડોલી અને નવસારીના દાંડીમાં પણ દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે.

જ્યારે વડોદરામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં આ મહોત્સવ ઉજવાશે. જ્યારે અંગ્રેજોને ઘૂંટણીયે લાવી દેનારા વીર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યાંથી સત્યાગ્રહ કર્યો હતો તેવી બારડોલી ભૂમિ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતમાં અમૃત મહોત્સવ ઉજવાશે. આ સાથે જ પોરબંદરમાં મંત્રી આર. સી. ફળદુ અને નવસારીના દાંડી ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને માંડવી ખાતે રાજ્યમંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં આ મહોત્સવ ઉજવાશે.

Next Story