Connect Gujarat
Featured

રાજ્યભરમાં પોષી પૂનમની કરાઇ હર્ષોલ્લાસથી ઉજવણી, ભક્તોએ અનુભવી ધન્યતા

રાજ્યભરમાં પોષી પૂનમની કરાઇ હર્ષોલ્લાસથી ઉજવણી, ભક્તોએ અનુભવી ધન્યતા
X

પોષ મહિના આવતી પૂનમ એટલે પોષી પૂનમ, હિન્દુ પંચાંગ અનુસાર જે નક્ષત્રમાં પૂનમ આવે છે, તે નક્ષત્રના નામ અનુસાર મહિનાનું નામ અને તે પૂનમનું નામ નક્કી કરવામાં આવે છે, ત્યારે આજે રાજ્યભરમાં પોષી પૂનમની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યભરમાં આજરોજ 225મી પોષી પૂનમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે આવેલ વિશ્વ્ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઇ હતી. જોકે અહી પોષી પૂર્ણિમાને બોર પૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે. જે માતા-પિતાનું બાળક બોલતું ન હોય કે, તોતડાતું હોય તેવા બાળકો સારી રીતે બોલતા થાય તે માટે બાધા રાખવામાં આવે છે, ત્યારે લોકોની બાધા પુરી થતા અહી બોર ઉછામણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ઈતિહાસમાં પ્રથમવાર બોર ઉછાળવાની પરંપરા રદ્દ રાખવામાં આવી હતી. તો સાથે જ બોર ઉછામણી વગર ભક્તોએ શ્રધ્ધાભેર પોષી પૂનમની ઉજવણી કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ નિમિત્તે અંબિકા માતાજીના પ્રાગટ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વહેલી સવારે 51 દીવડાની આરતી કરવામાં આવી હતી. અહી પોષી પુનમને પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ મનાવવામાં આવે છે, ત્યારે માતાજીના પ્રાગટ્ય દિવસે એક ભાવિક ભક્તે 64 દીવા પ્રગટાવી માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવ્યો હતો. ઉપરાંત અહી આવતા દરેક ભક્તોએ કોરોના મહામારી સામે લડત આપવા જાહેર કરાયેલ નિયમો મુજબ દર્શન કરી સરકારની ગાઈડલાઈનનું પણ પાલન કર્યું હતું.

પોષી પૂનમ નિમિત્તે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. જેમાં ભક્તોએ પોષી પૂનમના દિવસે માતજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મા ઉમિયા માતાજી કડવા પાટીદાર સમાજના કુળદેવી હોવાથી સમાજના આગેવાનો સહિત રાજ્યભરમાંથી અનેક ભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. તો સાથે જ આજના શુભ અવસરે મંદિરમાં 52 ગજની ધજા ચઢાવી ભક્તોએ પોષી પૂનમની ઉજવણી કરી હતી.

Next Story