રાજ્ય સરકાર દ્વારા મહિલા હિતમાં લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં ચેઈન સ્નેચિંગ કરનારને 5 થી 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને 25 હજારનો દંડ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. સાથે જ ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા કરે અથવા ભય ઊભો કરે તો પણ સ્નેચરને 3 વર્ષની સખત કેદની સજાની જાહેરાત કરી હતી.

ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા થાય તો પ્રયાસ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સખત કેદની સજા થશે તેવું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. હાલ આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. સજામાં વધારો થવાની ચેઈન સ્નેચિંગના ગુનામાં ઘટાડો થશે. સાથે જ જાનમાલનું રક્ષણ થશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા પુરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મહિલાઓની સુરક્ષા માટે સરકારે નક્કર પગલું ભરીને મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કર્યો છે. સરકાર વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે.

મંદિર પરિસર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિને ચેઈન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ ઝૂંટવી નાસી છૂટતા હોય છે ત્યારે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી સૂચના સાથે વટહુકમ લાવવાનું નક્કી કર્યું છે.

LEAVE A REPLY