Connect Gujarat
Featured

પ્રાંતિજ : ચામાચીડીયા વચ્ચે જીવના જોખમે રહેતી મહિલા, તંત્ર પાસે માંગી મદદ

પ્રાંતિજ : ચામાચીડીયા વચ્ચે જીવના જોખમે રહેતી મહિલા, તંત્ર પાસે માંગી મદદ
X

વિશ્વમાં મહામારી બની ચુકેલાં કોરોના વાયરસનું ઉદગમસ્થાન ચામાચીડીયા હોવાનું માનવામાં આવી રહયું છે ત્યારે પ્રાંતિજમાં એક દિવ્યાંગ મહિલા ત્રણ વર્ષથી સેંકડો ચામાચીડીયાઓ વચ્ચે જીવના જોખમે રહેતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

સમગ્ર વિશ્વ હાલ કોરોનાના કહેર વચ્ચે જીવું રહયું છે ત્યારે પ્રાંતિજમાં એક દિવ્યાંગ મહિલાના ઘરને સેંકડો ચામાચીડીયાઓએ પોતાનું નિવાસ બનાવી લીધું છે. આંખે દેખાતું ન હોવાથી આ દિવ્યાંગ મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પોતાના જ ઘરમાં જીવના જોખમે જીવન વ્યતિત કરી રહી છે.

આપ જે દ્રશ્યો જોઇ રહયાં છો તે પ્રાંતિજના બજાર ચોકમાં આવેલી ગુજજરની પોળના છે. કલાબેન પંડયાના મકાનમાં ત્રણ વર્ષથી ચામાચીડીયાઓએ અડીંગો જમાવી દીધો છે. સેંકડોની સંખ્યામાં ચામાચીડીયાઓ તેમના મકાનમાં રહી રહયાં છે. આંખે બરાબર દેખાતું ન હોવાથી કલાબેન ચામાચીડીયાઓ સામે લાચાર બની ગયાં છે અને જીવના જોખમે પોતાના જ ઘરમાં જીવન વ્યતિત કરી રહયાં છે.

કલાબેન પંડયાના નિવાસમાં ચામાચીડીયા હોવાની વાતથી સ્થાનિક રહીશો અજાણ નથી પણ ચામાચીડીયાઓના ડરથી તેઓ તેમને મદદ કરતાં ગભરાય રહયાં છે. હાલ તો કલાબેન ભગવાનના ભરોસે રહી રહયાં છે. તેઓ જાતે ઘરમાં ચામાચીડીયાઓ દ્વારા કરવામાં આવતો ગંદવાડ સાફ કરી રહયાં છે.

સાંપ્રત સમયમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે અને કોરોના વાયરસ ચામાચીડીયાઓના કારણે ફેલાયો હોવાનું મનાય રહયું છે ત્યારે કલાબેનના ઘરમાં રહેલાં ચામાચીડીયાના કારણે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઉભો થયો છે. હવે કલાબેને વહીવટીતંત્ર પાસે મદદની માંગણી કરી છે.

Next Story