Connect Gujarat
Featured

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓકટોબરે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે આજનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓકટોબરે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે આજનો કાર્યક્રમ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓકટોબરથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે.આગામી 31 ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે.પ્રધાનમંત્રીના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તેઓ ૩૦ ઓકટોબરે બપોર બાદ કેવડીયા પહોંચશે અને વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રધાનમંત્રી સાથે જોડાવાના છે.

પ્રધાનમંત્રીના દીર્ધદ્રષ્ટિ ભર્યા માર્ગદર્શન તથા પ્રેરણા અન્વયે વર્ષ 2019 દરમિયાન વિક્રમજનક સમયમાં આ પ્રોજેકટસ ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ 31 ઓક્ટોબર, 2018ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રીએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદા-જુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી.આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે.પ્રધાનમંત્રી કેવડિયા ખાતે 30મીએ આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાનશ્રી અન્ય ૯ પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની ૪૦૦ મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે. કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ રપ ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાનશ્રી ઉદ્ઘાટન કરશે.

31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ પ્રધાનમંત્રી આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે.દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.૩ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને ખાસ ‘‘મિશન મોડ’’થી રેકર્ડ સમયમાં દિવસ-રાત કામ કરી પૂર્ણ કરવામાં આવેલું છે અને સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત ૩૦૦૦ કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ 100 કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને ર૦ર૦-રર દરમિયાન અંદાજી 9000 કરોડનો લાભ થશે.

Next Story