Connect Gujarat
Featured

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી
X

નિસર્ગ વાવાઝોડુ ભલે મહારાષ્ટ્ર તરફ ફંટાયું હોય પણ તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ વરસવાની શરૂઆત થઇ ચુકી છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલાં વાવાઝોડાના કારણે વરસાદ વરસી રહયો છે.

અરબી સમુદ્રમાં ઉદભવેલા નિસર્ગ વાવાઝોડાની અસર વડોદરામાં શરૂ થઇ હતી. બપોર બાદ સરેરાશ 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોરદાર પવન ફૂંકાતા શહેરમાંમાર્ગો ઉપર ઉઠેલી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.વાઘોડિયા રોડ, આજવા રોડ, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. ભારે પવન ફૂંકાતા અને વરસાદી માહોલ સર્જાતા શહેરના બજારોમાં વેપારીઓએ માલ-સામાન બચાવવા દોડધામ કરી મુકી હતી.

વડોદરાના સાવલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડાગાર પવનોની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. વરસાદના કારણે નગરજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકોએ વરસાદમાં ન્હાવાની મોજ પણ માણી હતી.

નિસર્ગ વાવાઝોડાના પગલે જંબુસર તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનો ફુંકાયા હતાં. ભારે પવન તથા વરસાદના કારણે જીરો વિઝીબીલીટીનો માહોલ જોવા મળ્યો હતો. વીજળીના કડકા ભડાકાએ લોકોને ડરાવી દીધાં હતાં. વાવાઝોડાના પગલે જંબુસર, હાંસોટ અને વાગરા તાલુકાના 25 થી વધારે ગામોને એલર્ટ કરી દેવાયાં છે.

અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો સાવરકુંડલાના વિજપડી, ઘાડલા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પુર આવ્યું છે જયારે

ચેક ડેમો છલકાય ઉઠયાં છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ જતાં લોકોને હાલાકી પડી રહી છે.

Next Story