Connect Gujarat
ગુજરાત

રાજકોટ : મિત્રો સાથેની નાની મજાક ફેરવાઈ મોતમાં, જાણો શું છે સમગ્ર ધટના...

રાજકોટ : મિત્રો સાથેની નાની મજાક ફેરવાઈ મોતમાં, જાણો શું છે સમગ્ર ધટના...
X

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના રણુજા મંદિર પાસે રાત્રે આઠેક વાગ્યે મિત્રો સાથે ઉભેલા બાવાજી યુવકને મસ્કરીમાં ગાળો બોલવા બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરી છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા આજી ડેમ પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો અને હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી

રાજકોટના કોઠારીયા રોડ ઉપર ગોકુલ પાર્કના ગેઇટ પાસે રણુજા મંદિર નજીક રાત્રે આઠેક વાગ્યે એક યુવકને ચાર જેટલા શખ્સો છરીથી હુમલો કરી નાશી છૂટ્યા હતા. યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડા, પીએસઆઇ એમ.જે .રાઠોડ સહિતનો કાફલો દોડી ગયો હતો પરંતુ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો.

બનાવ અંગે વિગતો આપતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર ૨૪ વર્ષીય રાહુલ ઉર્ફે રાજુ ગોસ્વામી વાવડી ગામનો હતો. રાત્રે તેના બે મિત્રો પ્રતિપાલસિંહ જાડેજા અને મયુર કુહાડીયા સાથે અન્ય ચાર મિત્રો જયુ મંડ, દિવ્યેશ લાવડીયા, દિવું જાડેજા અને દેવો જાડેજા સાથે ઉભો હતો ત્યારે જયુ, દિવ્યેશ, દીવો અને દેવા સાથે મસ્કરીમાં ગાળો બોલતા ચારેય શખ્સોએ ઝઘડો ચાલુ કર્યો હતો અને ચાર પૈકી કોઈ એક શખ્સે છરી કાઢી રાહુલને છરીનો એક ઘા ઝીંકી દીધો હતો અને અન્ય બે મિત્રો પ્રતિપાલસિંહ અને મયુર પાછળ પણ દોડતા તેઓ ભાગી ગયા હતા અને રાહુલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો બાદમાં મિત્રોએ જ પરત આવી 108 મારફતે હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ રાહુલનુ મોત નીપજ્યુ હતું. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધવા અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે યુવાનના મોતથી ત્રણ બહેનોએ એકનો એક ભાઈ અને પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે. હત્યાનો ભોગ બનેલ રાહુલ ગોસ્વામીનો ચાર દિવસ પૂર્વે જન્મદિવસ હતો કોને ખબર હતી કે આ જન્મદિવસ તેનો અંતિમ જન્મદિવસ હશે

Next Story