Connect Gujarat
ગુજરાત

રાજકોટ : યુવતીના આપઘાત પ્રકરણમાં યુવાન અને તેની માતાની ધરપકડ

રાજકોટ : યુવતીના આપઘાત પ્રકરણમાં યુવાન અને તેની માતાની ધરપકડ
X

રાજકોટમાં લવજેહાદના ચકચારી કિસ્સામાં પોલીસે આરોપી યુવાન તથા તેની માતાની ધરપકડ કરી છે. આરોપી જમીલે પોતાનો ધર્મ છુપાવી યુવતીને ફસાવી હતી અને બાદમાં તેણે યુવતીએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલા યુવતીએ સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં ચોકાવનારી વિગતો લખવામાં આવી હતી.

યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેની જિંદગી બદતર કરી દેવાના ચાલતા લવજેહાદના કિસ્સામાં વધુ એક યુવતી ભોગ બની હતી. જમીલ નામના યુવકે યુવતી સમક્ષ પોતાનો સાચો ધર્મ છુપાવી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યારે સાચી હકકીત જાહેર થતાં યુવતીએ તમામ સંબંધ તોડી જ્ઞાતિના યુવક સાથે ત્રણ મહિના પૂર્વે સગાઇ કરી હતી. જોકે આમ છતાં જમીલે કેડો મૂક્યો નહોતો અને યુવતીના મંગેતર તેમજ પરિવારજનોને ધમકી દઇ પરેશાન કરવા લાગતાં ગભરાઇ ગયેલી યુવતીએ અંતે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી.

યુવતીના પિતાની માંગ છે કે આરોપીને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. જેથી અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનો બનાવ ન બને. તારીખ 2 સપ્ટેમ્બર ના રોજ યુવતીએ આત્મહત્યા કર્યા હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જ્યાં તેમને સુસાઇડ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે આરોપી જમીલ અને તેની માતા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેના આધારે પોલીસે ગઈકાલે આરોપી ઝમીલ અને તેની માતા અસ્માબેન ની ધરપકડ કરી ફરાર અન્ય આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મૃતક યુવતી ગુમ થયા હોવાની પોલીસને ફરિયાદ મળતા શોધખોળ હાથ ધરી હતી. તેવામાં એ સમયે યુવક અને યુવતી મૈત્રી કરાર કરી રિલેશન હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં યુવતીએ જમીલ સાથે તમામ સબંધ તોડી દેતા પોલીસે યુવતીને તેના પરિવારને સોંપી હતી.

Next Story