Connect Gujarat

રાજકોટ : પૌત્રની શ્રીફળ વિધી પ્રસંગે 300 દર્દીઓના કરાયા નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન, નેત્ર યજ્ઞને લોકોએ વખાણ્યો

રાજકોટ : પૌત્રની શ્રીફળ વિધી પ્રસંગે 300 દર્દીઓના કરાયા નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન, નેત્ર યજ્ઞને લોકોએ વખાણ્યો
X

રાજકોટમાં પૌત્રની શ્રીફળ વિધી પ્રસંગે દાદા-દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલા દર્દીઓને વિનામુલ્યે મોતિયાના ઓપરેશન કરાવતા લોકસેવાની ઓનોખી પહેલ જોવા મળી હતી. વર્ષો પહેલા પરિવારની આર્થિક સ્થિતી ખરાબ હતી, ત્યારે આ દંપતિએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ આર્થિક રીતે સદ્ધર થતા પરિવારે નેત્રયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો.

રાજકોટનાં જોગી પરિવારે પ્રેરણાદાયી પગલું ભર્યું છે. યોગેશ જોગીના પુત્ર કેવલ જોગીની શ્રીફળ વિધી કરવામાં આવી હતી. પરંતુ યોગેશ જોગીના પિતા ચંદ્રકાંત જોગી અને માતા કાન્તાબેન જોગીની ઇચ્છા હતી કે, તેનાં પ્રૌત્રની શ્રીફળ વિધીમાં 300 દર્દીઓને વિનામુલ્યે મોતિયાના ઓપરેશન કરાવવામાં આવે. જેના માટે રાજકોટની રણછોડદાસ આખની હોસ્પિટલ ખાતે પ્રૌત્ર કેવલની સગાઇના સમયે જ 300 દર્દીઓના નિ:શુલ્ક ઓપરેશન કરીને નેત્રયજ્ઞ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રૌત્ર કેવલે જણાવ્યુ હતું કે, દાદા-દાદીનું સ્વપ્ન હતું જેમાં મારી સગાઇના સમયે લોકોની આંખના મોતિયાના ઓપરેશન કરાવવામાં આવે. જે પરીવારજનોએ પૂર્ણ કર્યું છે. વધુમાં કેવલે કહ્યું હતું કે, લોકો લગ્ન, બર્થ-ડે જેવા પ્રસંગોમાં ખર્ચો કરે છે, તેનો 50 ટકા ખર્ચો આ પ્રકારના સામાજિક કાર્યોમાં કરે તો અનેક લોકોને મદદ મળશે.

તો બીજી તરફ 300 જેટલા દર્દીઓના રાજકોટની રણછોડદાસ આંખની હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા હતા, ત્યારે દર્દીઓએ પણ આ જોગી પરિવારને આવા સુંદર કાર્યો કરતા રહે તેવી આશા સાથે આશિર્વાદ પાઠવ્યા હતા, ત્યારે આ ખુશીનો પ્રસંગ જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવાય તેવી દાદા-દાદીની લાગણી અને ભાવનાના પણ લોકોએ વખાણ કર્યા હતા.

Next Story
Share it