રાજકોટ: મનપાનું 2119.98 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, મનપાની ચૂંટણીની દેખાઈ અસર

0

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું ૨૧૧૯.૯૮ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. બજેટની થીમ સ્માર્ટ સીટી , ટ્રાફિક મેનેજમેન્ટ, વોટર સપ્લાય મેનેજમેન્ટ સહિત બાબતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાઇ છે. આ વર્ષે મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્સ કે પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. 24 કલાક રાજકોટ વાસીઓને પાણી પૂરું પાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. જોઈએ આ રિપોર્ટ

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2119.98 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ વધારવા અને ટ્રાફિક તેમજ ફાટક મુક્ત કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે મનપાની સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખી કોઈ પણ વેરાદરમાં વધારો કરવામાં આવ્યો નથી.

મનપા દ્વારા રજૂ કરાયેલ બજેટમાં જનતા પર એક પણ રૂપિયાનો બોજ મુકવામાં આવ્યો નથી. બજેટમાં રાજકોટની મુખ્ય સમસ્યાઓને વણી લેવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ બનાવવા, રોડ ડેવલોપમેન્ટ કરવા અને ફાટક મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 9 જેટલા બ્રિજો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જો કે આ પૈકી મોટાભાગના બ્રિજ માટે રાજ્ય સરકાર તરફથી અગાઉ મંજૂરી આપી દેવામાં આવી છે. ગત વર્ષે શરૂ કરાયેલ સાયકલિસ્ટને પ્રોત્સાહિત કરતી સાયકલ ખરીદી પર 1000 રૂપિયાની સબસીડી યોજનાને સારો પ્રતિસાદ મળતા પ્રોજેકટ યથાવત રાખી તેના માટે 30 લાખ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. 

આ સિવાય શુ થશે નવું ? 

રાજકોટમાં ભળનાર નવા 5 ગામો માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી

નવી 50 ઇલેક્ટ્રિક બસોની ખરીદી કરવામાં આવશે

2 નવા કોમ્યુનિટી હોલ બનવવામા આવશે

ગાર્બેજ કલેક્શન માટે નવી 150 મીની ટીપર વાનની થશે ખરીદી

રેલનગર અને કોઠારીયા વિસ્તારમાં ડીઆઈ પાઇપ લાઇન મુકવામાં આવશે

રાજકોટ મહાનગર પાલિકાના નવા વર્ષના બજેટમાં ખાસ કોઇ નવી મોટી યોજનાઓ જાહેર કરવામાં નથી આવી. પરંતુ રાજકોટ વાસીઓને 24 કલાક પાણી મળી રહે તે માટે સતત ત્રીજા વર્ષે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કોઈ વેરા વસુલાતમાં ફેરફાર કરવામા આવ્યા નથી. ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ આ બજેટ અભ્યાસ કર્યા બાદ મંજુર કરશે કે પછી આગામી મનપાની સ્થાનિક ચૂંટણીને ધ્યાને રાખી કોઈ મહત્વના ફેરફાર કરશે તે જોવું રહ્યું..?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here