આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નમામી દેવી નર્મદા મહોત્સવ અંતર્ગત રાજકોટમાં આજી ડેમના નીરના વધામણા કરવામાં આવ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના રાજકીય કારકિર્દીની પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા હતા. નરેન્દ્ર મોદી પોતે પણ કહી ચુક્યા છે કે, જો રાજકોટની જનતાએ તેમને ચૂંટીને ગાંધીનગર ન મોકલ્યા હોત તો આજે દેશની પ્રજાએ તેમને દિલ્હી ન મોકલ્યા હોત. ત્યારે આજે તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરના તમામ શહેર તથા જિલ્લાઓમાં “નર્મદા મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાજકોટના આજી ડેમ ખાતે પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, નર્મદા નીરના વધામણાં તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજી ડેમ ખાતે પુષ્પોથી નર્મદા નીરના વધામણાં કરી આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાંસદ મોહન કુંડારીયા, મેયર બીના આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ભાજપ પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ વિશેષ હાજર રહ્યા હતા.