Connect Gujarat
Featured

રાજકોટ : લોકોની સુખાકારી માટે જેલના બંદીવાનો બન્યા સંત્રી, કોરોના વાયરસને પગલે બનાવી રહ્યા છે માસ્ક

રાજકોટ : લોકોની સુખાકારી માટે જેલના બંદીવાનો બન્યા સંત્રી, કોરોના વાયરસને પગલે બનાવી રહ્યા છે માસ્ક
X

સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે ઝઝુમી રહ્યું છે, ત્યારે ભારતમાં પ્રવર્તમાન પરિસ્થતિમાં કોરાના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી સાધનો પૈકી એવા માસ્કનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય તેવા પ્રયાસો રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ કરી રહ્યા છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોના વાયરસની સામે લડવા માટે ઉપયોગી એવા માસ્ક રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ બનાવી રહ્યા છે. મધ્યસ્થ જેલમાં દરજી વિભાગ દ્વારા હાલ કોરાનાના સંક્રમણથી સુરક્ષા અંગે પરિસ્થિતીનું ધ્યાન રાખીને માસ્ક ઉત્પાદન કાર્ય શરૂ કરાયું છે. જેમાં પાકા કામના 17 જેટલા પુરૂષ અને 10થી વધુ મહિલા કેદીઓ દ્વારા 100 ટકા કોટનમાંથી માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેદીઓ દ્વારા રોજના 2 હજાર જેટલા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે.

એટલું જ નહીં પરંતુ રૂ. 8ની પડતર કિંમતે તૈયાર થતા માસ્કનું વેચાણ નહીં નફો કે નહીં નુકશાનના ધોરણે કરવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં દરજી વિભાગના ૩૦થી વધુ પુરૂષ તથા મહિલા બંદીવાનો સામાન્યતઃ ઓર્ડર મુજબ સીવણકામ દ્વારા કપડાં તૈયાર કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના સંક્ર્મણ સામે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કેદીઓ દ્વારા માસ્કનું પ્રોડક્શન છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવામાં આવ્યું છે. આમ કોરોના વાયરસ સામેની લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહ્યા છે.

Next Story