Connect Gujarat
Featured

રાજકોટના રાજવી માધાતાસિંહે કોરોના સામેની લડાઇમાં PM કેર ફંડમાં 10 લાખ આપ્યા

રાજકોટના રાજવી માધાતાસિંહે કોરોના સામેની લડાઇમાં PM કેર ફંડમાં 10 લાખ આપ્યા
X

કોરોના સંક્રમણની સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર અથાગ પ્રયાસ કરી રહી છે. સમાજના તમામ સ્તરેથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ત્યારે રાજકોટના ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજા અને એમના પરિવારે પણ સહાય કરી છે. PM કેર ફંડમાં 10 લાખ આપ્યા છે. તેમજ રાશનની 200 કીટનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું છે. માધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમાજનો મોટો સમુદાય જ્યારે કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે કંઇક કરવું જોઇએ એવી ભાવનાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીરુપે અમે અમારી સંસ્થા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનવતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાહત ફંડમાં રૂ. દસ લાખની રાશિ અર્પણ કરી છે.

રાજકોટ રાજપરિવારના રાજમાતા માનકુમારીદેવીની પ્રેરણાથી માધાતાસિંહ જાડેજા, રાણીસાહેબ શ્રીમતી કાદમ્બરીદેવી, યુવરાજ સાહેબ જયદીપસિંહ જાડેજા, યુવરાણી શિવાત્મિકાદેવી તથા રાજકુમારી મૃદુલાકુમારીબા સામાજિક ઉત્કર્ષના ઉમદા હેતુથી રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન સંસ્થા ચલાવે છે. પ્રવર્તમાન સંજોગોમાં આ સંસ્થા તરફથી સમાજના જરુરતમંદ લોકો, નાના નોકરિયાતો, વિધવા બહેનોને ઘઉંનો લોટ, ચોખા, તેલ, ખાંડ, ચા, ખીચડી, તુવેરદાળ વગેરે કાચી ખાદ્ય સામગ્રીની કીટ બનાવીને એનું વિતરણકરાયું હતું. 200 જેટલા લોકોએ એનો લાભ લીધો હતો. રાજકોટની આસપાસના ઔદ્યોગિક વિસ્તારના શ્રમિકો માટે ખાદ્ય સામગ્રીની એક હજાર કીટ એકત્ર કરવાની સેવા રાજકોટ રાજ્ય ફાઉન્ડેશને કરી હતી. ઉદ્યોગકારોએ પોતાના કારીગરો, શ્રમિકો માટે કીટનું વિતરણ કર્યું એ એકત્ર કરવાની સેવા ફાઉન્ડેશને કરી હતી.

રાજકોટ સ્થિત ઐતિહાસિક રાજકુમાર કોલેજ ટ્રસ્ટ તરફથી પણ આ સ્થિતિમાં લોકોને સહાય પહોંચે એ માટેનું અભિયાન ઠાકોર સાહેબ માધાતાસિંહજીએ જાતે જવાબદારી લઇને શરુ કર્યું છે. રાજકોટની રાજકુમાર કોલેજના જે ફાઉન્ડીંગ હાઉસીઝ છે એટલે કે આ કોલેજની સ્થાપનામાં, પાયામાં જે રાજ પરિવારોનું અમૂલ્ય યોગદાન છે જેમ કે નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા,ગોંડલ, વાંકાનેર, વઢવાણ, રાજકોટ, જંજીરા, લીંબડી, ધ્રોળ, પાલીતાણા, લખતર, મૂળી, સાયલા, ચુડા, બજાણા, લાઠી, માળિયા, જસદણ, બિલખા,વલ્લભીપુર, જેતપુર, વીરપુર, પાટડી, અમરનગર, વડિયા અને ખીરસરાનો સમાવેશ થાય છે. આ સૌવતી રાજકુમાર કોલેજ ઉત્તરદાયીત્વ નિભાવે અને વડાપ્રધાન ફંડમાં 21 લાખ તથા મુખ્યમંત્રી ફંડમાં 21 લાખ અર્પણ કરે તેવી અપીલ ઠાકોર સાહેબે કરી છે.

Next Story