Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સૌરાષ્ટ્રમાં વાલીઓના ખંખેરાશે ખિસ્સા, 180થી વધુ શાળાઓએ ફી વધારવા કરી દરખાસ્ત

રાજકોટ : સૌરાષ્ટ્રમાં વાલીઓના ખંખેરાશે ખિસ્સા, 180થી વધુ  શાળાઓએ ફી વધારવા કરી દરખાસ્ત
X

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં વાલીઓએ તેમના સંતાનોની ફીમાં થનારા વધારા માટે તૈયાર રહેવું પડશે. સૌરાષ્ટ્રની 180થી વધુ ખાનગી શાળાઓએ ફીમાં વધારો કરવા માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી છે.

ફી નિર્ધારણના નામે સ્વનિર્ભર શાળાઓ દ્વારા તગડી ફી ની વસૂલી ચાલુ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાની 155 સહિત સૌરાષ્ટ્રની શાળાઓએ આગામી ત્રણ વર્ષ માટે ફી માં તગડો વધારો કરવા દરખાસ્ત કરી છે. શાળાઓએ વધુ ફી વસૂલવા માટે મ્હોં ફાડયું છે ત્યારે વાલીઓએ પણ કોઈ પણ ભોગે ફી ચૂકવવા તૈયાર રહેવું પડશે. રાજકોટની મોદી, ધોળકિયા, સર્વોદય, પતંજલિ, પોદાર, ઈનોવેટિવ, સેન્ટમેરી અને સ્કૂલ ઓફ સાયન્સ સહિતની જિલ્લાની 155 શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત કરી છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના કો - ઓર્ડીનેટર એવા ડી.ઈ.ઓ. આર.એસ.ઉપાધ્યાય સમક્ષ ખાનગી સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત આવી છે. જેમાં રાજકોટની 155 ઉપરાંત મોરબીની 15, જૂનાગઢની 9, ગીર સોમનાથ અને પોરબંદરની 4 - 4 તથા અમરેલીની 3 સ્કૂલે ફી વધારા માટેની અરજી કરી છે. સમગ્ર મામલે રાજકોટ વાલી મંડળના પ્રમુખ હિમંત લાબડિયા જણાવ્યું હતું કે, સરકારે ફી નિયમનના કાયદાના નામે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉલ્લુ બનાવ્યા છે. ફી નિર્ધારણ કમિટી રચી પણ તેમાં વાલી મંડળ તરફથી એક પણ સભ્ય ન રાખી ખાનગી સ્કૂલોને તગડો ફી વધારો મંજૂર કર્યો છે. સ્કૂલોમાં રમત - ગમતનું મેદાન સહિતની પાયાની સુવિધા ન હોવા છતાં ફી વધારો મંજૂર કરવામાં આવે છે. જેનો અમે વિરોધ કરશું અને ડી.ઈ.ઓ.ને રજૂઆત પણ કરશું.

Next Story