Connect Gujarat
Featured

રાજકોટ : જુઓ, માત્ર 9 વર્ષના બાળકે શ્રી રામ જન્મભૂમિ મંદીર નિર્માણ નિધિ માટે કેવી રીતે પોતાનું આપ્યું યોગદાન..!

રાજકોટ : જુઓ, માત્ર 9 વર્ષના બાળકે શ્રી રામ જન્મભૂમિ મંદીર નિર્માણ નિધિ માટે કેવી રીતે પોતાનું આપ્યું યોગદાન..!
X

રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી માટે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ખાતે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના તાલુકાના ગામે ગામ સંપર્ક કરી રામ મંદિર નિર્માણ માટે વધુ ધનરાશિ એકત્ર કરવા અંગે આહવાન કરવામાં આવ્યું છે. એક તરફ સૌકોઈ દાતાઓ આગળ આવી રહ્યા છે. તો બીજી તરફ 9 વર્ષના બાળકે પોતાના ગુલ્લકમાં એકત્ર કરેલા નાણાં રામ મંદીર નિર્માણ નિધિ માટે આપી અનોખી ભક્તિ દર્શાવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણના નિધી સમર્પણ મહા અભિયાનના તાલુકામા મધ્યસ્થ કાર્યાલયનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે ઉદ્ઘાટક તરીકે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જીથુડી આશ્રમના મહંત સહિતના આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ રામમંદિર નિર્માણ માટે સમર્પણ અભિયાનના પ્રારંભે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ રૂ 2.51 લાખ રૂપિયાની રાશિ અર્પણ કરી હતી. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા રૂ. 1.51 હજાર તેમજ જેતપુરના જાણીતા ઉધોગપતિ સહિત અનેક દાતાઓએ સમર્પણ રાશિ અર્પણ કરી હતી.

જોકે, આ કાર્યકમમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચતો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે એક 9 વર્ષના અંશ વ્યાસ નામના બાળકે પોતાના ગુલ્લકમાં એકત્ર કરેલા રૂપિયા શ્રી રામમંદીર નિર્માણ નિધિ માટે આપ્યા હતા. બાળકે આ રૂપિયા પોતાના અભ્યાસ દરમ્યાન નોટ, પેન અને ટેબ્લેટ જેવી વસ્તુ ખરીદવા માટે એકત્ર કર્યા હતા. પરંતુ જ્યારે તેમના ઘરે મંદીર નિર્માણ માટેના ફંડની વાત થતી હતી, ત્યારે અંશને એવું થયુ કે, તે પોતે પણ શ્રી રામ મંદીરના નિર્માણમાં ફાળો આપે. જેમાં બાળકે ફુલ નહિ તો ફુલની પાંખડીના યોગદાનરૂપે કુલ 4080 રૂપિયાની રાશિ અર્પણ કરી હતી, ત્યારે 9 વર્ષના બાળકની અનોખી ભક્તિ જોઈ સૌકોઈએ તેના શુભકાર્યને બિરદાવ્યું હતું.

Next Story