Connect Gujarat
Featured

રાજકોટ : વિરપુરના ખેડૂતોને ફુલાવરની ખેતી પાછળ રૂ. 15 હજારનો ખર્ચ, જુઓ પૂરતો ભાવ નહીં મળતા કેવી રીતે નોંધાવ્યો વિરોધ..!

રાજકોટ : વિરપુરના ખેડૂતોને ફુલાવરની ખેતી પાછળ રૂ. 15 હજારનો ખર્ચ, જુઓ પૂરતો ભાવ નહીં મળતા કેવી રીતે નોંધાવ્યો વિરોધ..!
X

ગુજરાત રાજ્યમાં થોડા દિવસ અગાઉ હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ તેમજ માવઠાની આગાહી કરી હતી. જેના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે યાત્રાધામ વિરપુરમાં ફુલાવરની ખેતીને ભારે નુકશાન થતાં ખેડૂતે સમગ્ર પાકમાં રોટાવેટર ફેરવી દીધું હતું.

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે યાત્રાધામ વિરપુરમાં પણ કમોસમી માવઠું વરસ્યું હતું. જેના કારણે ઘઉં, જીરું, ધાણા અને કપાસ સહિતના શિયાળુ પાકમાં નુકશાનની ભીતિ સેવાઇ હતી, ત્યારે વિરપુરમાં શાકભાજીના પાકની ખેતી કરતા ખેડૂતોને પણ આ માવઠાની અસર થઈ હતી. વીરપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી કોબીઝ અને ફુલાવરની ખેતી કરતા હરસુખ સાકરીયાએ પોતાના 22 વીઘામાં ફુલાવરના પાકનું વાવેતર કર્યું હતું. જે પાકના વાવેતરમાં અંદાજે 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે, ત્યારે માર્કેટમાં 1 રૂપિયાના નજીવા ભાવે પણ કોઈ ફુલાવર ખરીદી કરતું નથી. ઉપરાંત માવઠું પડવાથી ફુલાવરનો પાક પણ સડી જવા લાગ્યો હતો, ત્યારે ખેડૂતે પોતાના જીવની જેમ સાચવીને ઉગાડેલા ફુલાવરના પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું. આવી જ રીતે યાત્રાધામ વિરપુરના ઘણાખરા ખેડૂતોને પાક પર રોટાવેટર ફેરવી પોતાને થયેલ નુકશાનીને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

Next Story