રાજકોટ : જાણો, કોણ કરશે શહેરમાં મહિલાઓની સુરક્ષા, માત્ર એક જ ક્લિક કરશે મહિલાઓનું રક્ષણ

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતના ત્રણ મેટ્રો શહેરમાં સગીરા સાથે દુષ્કર્મના બનાવો સામે આવ્યા હતા, તો બીજી તરફ હૈદરાબાદનો પણ દર્દનાક કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સુરક્ષિતા એપ લોન્ચ કરવામાં આવી છે. શહેરના દરેક પોલીસ મથકોમાં દુર્ગા શક્તિ ટીમની રચના પણ કરવામાં આવી છે.
મહિલા દુષ્કર્મ મામલે તાજેતરમાં જ હૈદરાબાદનો દર્દનાક કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે એ જ પ્રકારની ઘટના રાજકોટ શહેરમાં ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ સુરક્ષિતતા નામની એપ્લિકેશન તૈયાર કરાવવામાં આવી છે. જેનું પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મહિલાઓએ સુરક્ષિતા એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા પ્લે સ્ટોરમાં જઇ સુરક્ષિતા ટાઈપ કરવાનું રહેશે, જે બાદ રજીસ્ટર અને કંટીન્યુ બટન ક્લિક કરી પોતાનું નામ, નંબર, રહેઠાણનું સરનામું તેમજ પોતાના બે ગાર્ડિયનના નંબર અને પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે. જ્યારે પણ મહિલા પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહી હોય, ત્યારે તેને એપ્લિકેશનના માધ્યમથી સ્ટાર્ટિંગ પોઇન્ટ અને એન્ડિંગ પોઇન્ટ વિશેની માહિતી એપ્લિકેશનમાં ફીલ કરી શકશે. તો સાથે જ મુસાફરી માટે ઉપયોગમાં લેનાર વાહનના નંબર પણ એડ કરી શકાશે. જ્યારે મહિલાને કોઈપણ જાતની મદદની જરૂર હોય, ત્યારે તેને એપ્લિકેશનમાં રહેલ હેલ્પ બટન પર ક્લિક કરવાનું રહેશે. હેલ્પ બટન પર ક્લિક કરતાની સાથે જ તેની જાણ જે તે મહિલાના ગાર્ડિયન અને પોલીસને થશે. એપ્લિકેશનના માધ્યમથી જ જે તે મહિલાના કરંટ લોકેશનની માહિતી તેના પરિવાર અને પોલીસને મળી જશે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા દુર્ગા શક્તિ નામની એક ટીમ પણ બનાવવામાં આવી છે. જે ટીમની ચાર મહિલા કોન્સ્ટેબલ દરેક પોલીસ મથકોમાં ફરજ બજાવશે. દુર્ગા શક્તિ ટીમનું મુખ્ય કાર્ય મહિલાઓને સુરક્ષા પૂરી પાડવી, તેમની સાથે બનતા અઘટિત બનાવોને રોકવા તેમજ મહિલાઓમાં જાગૃતતા આવે તે પ્રકારના કાર્યો કરવાના રહેશે. તો સાથે જ ભોગ બનનારનું કાઉન્સિલિંગ કરવાની જવાબદારી પણ દુર્ગા શક્તિ ટીમની રહેશે.