Connect Gujarat
Featured

સૌરાષ્ટ્રમાં “રથયાત્રા” : કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિષરમાં જ નીકળી

સૌરાષ્ટ્રમાં “રથયાત્રા” : કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિષરમાં જ નીકળી
X

કોરોનાની મહામારીના કારણે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શુકન સાચવવા માટે સાદગીથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નિમિત્તે ભાવનગર શહેરમાં અષાઢી બીજ પર્વે નીકળતી રાજ્યની બીજા નંબરની રથયાત્રા આ વર્ષે કોરોના મહામારીના કારણે માર્ગો પર કાઢવામાં આવી ન હતી. સર્વજન હિતાય, સર્વજન સુખાયને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઈન મુજબ આ વર્ષે રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે મંદિર પરિસરમાં જ રાજવી પરિવાર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 4 કલાકે મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ કરી રથને શુકન પૂરતો જ ખેચી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લાના ભુજ શહેર સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતોએ રથયાત્રાની ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી અને ત્યાર બાદ મંદિર પરિસરમાં જ રથ ખેચીને 7 ફેરા ફેરવી રથયાત્રાનું પરિભ્રમણ કર્યું હતું. જોકે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથનો રથ ફેરવવામાં આવ્યો હતો. હાલ સરકારે કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી.

Next Story