Connect Gujarat
વાનગીઓ 

વરસાદમાં માણો ગરમાગરમ વાનગીની મજા, ડુંગળી અને મરચા સાથે વધી જશે સ્વાદ

વરસાદમાં માણો ગરમાગરમ વાનગીની મજા, ડુંગળી અને મરચા સાથે વધી જશે સ્વાદ
X

વરસાદની સીઝન જામી છે તો જો હજુ પણ દાળવડાનો પ્લાન બાકી હોય તો આજે જ કરી લો તૈયારી, વરસાદની મજા પણ થશે બમણી. વરસાદમાં માણો આ વાનગીની મજા. તમને જણાવીશું દાળવડાનું ખીરું ઘરે બનાવવાની રીત.

સામગ્રી:

1 કપ મગની મોગર દાળ, 2 ચમચી ચોખા, 2 ચમચી અડધની દાળ, અડધો કપ ફોતરાવાળી મગની દાળ, 8 વાટેલાં લીલાં મરચાં, 1 કપ કોથમીર, 1 ઈંચ આદુ અને 8 લસણની કળીની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, 1/4 ચમચી ખાવાનો સોડા, તળવા માટે સિંગતેલ.

રીત:

સૌથી પહેલાં દાળ ચોખાને ધોઈને 5 કલાક પલાળી દો. પછી મિક્સરમાં અધકચરું વાટી લો. ધ્યાન રાખજો કે દાળ પાણી નાખ્યા વિના જ વાટવી. બહુ જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરવું. પછી આ મિશ્રણને ઢાંકીને વધુ 3-4 કલાક માટે મૂકી દો. જેથી તમારા દાળવડા અંદરથી પોચા અને જાળીદાર બનશે. ત્યારબાદ મિશ્રણ લઈને તેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ, મીઠું, સમારેલી કોથમીર નાખી બધું જ એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે ફેટી લો એટલે કે બરાબર મિક્સ કરી લો. પછી તેલ ગરમ મૂકો.

મીડિયમ ગેસ રાખવો. પછી છેલ્લે ખાવાનો સોડા અને તેની પર 1 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. પછી એક એક કરીને દાળવડા બનાવીને તેલમાં નાખો અને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે તળી લો. વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. છેલ્લે તળેલાં મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા સર્વ કરો.

Next Story