ભારતે રશિયા પાસેથી S-400 સિસ્ટમ અને નેવી વોરશિપનો સોદો કર્યા બાદ ભારત વધુ એક સંરક્ષણ સોદો કરે તેવી સંભાવના છે. રશિયા ભારત સાથે 1.5 અબજ ડોલરની એર ડિફેન્સ સિસ્ટમ ડીલ કરી શકે છે. અમેરિકા દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો છતા ભારત રશિયા સાથે આ સોદો કરી શકે છે. આ અત્યંત ઓછા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ હશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે થયેલી બેઠકમાં જણાવાયું હતું કે આ સોદા માટે સૌથી ઓછી બોલી રશિયાએ લગાવી છે. જો કે આ સોદાના આડે હજુ ઘણા અવરોધો ઊભા છે. આ સોદા માટે ફ્રાન્સ તેમજ સ્વીડને પણ બોલીમાં ભાગ લીધો હતો. રશિયાએ ફ્રાન્સ તેમજ સ્વીડનની તુલનાએ નીચી બોલી લગાવી હતી. આ સોદાને નક્કી કરવામાં અમેરિકાના પ્રતિબંધોનો મોટો પડકાર નડી શકે છે.

અત્યંત ઓછા અંતરના એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને લઈને અગાઉની સરકારે 2010માં વાત શરૂ કરી હતી. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ આ સોદાને લઈને ઘણી બેઠક યોજાઈ હતી. જાન્યુઆરીની બેઠકમાં 2 અન્ય ઉમેદવારો સાથે પણ વાતચીત થઈ છે. કેટલાક ઉમેદવારોએ રશિયન સિસ્ટમ પર સવાલો ઊભા કર્યા હતા. તેમનું કહેવું છે કે આ સિસ્ટમ ઓછા અંતરને પણ ટાર્ગેટ નથી કરી શકતી, તેમજ ગરમીમાં રેતાળ જગ્યાઓ પર આ સિસ્ટમને વાપરવામાં મુશ્કેલી પડશે.

સૂત્રોના મતે આર્મીના આ સોદાને નક્કી કરવા માટે બજેટ પણ બાધારૂપ બની શકે છે. આર્મીએ માર્ચમાં ડિફેન્સ અંગેની સંસદીય સમિતિને ફંડની અછત વિશે જણાવ્યું હતું. રજૂ કરાયેલા બજેટમાં આર્મીને 17,756 કરોડ મળ્યા હતા. જો માગવામાં આવેલા ભંડોળ કરતા ઘણું ઓછું છે.

LEAVE A REPLY