Connect Gujarat
Featured

ખેડા : ડાકોરના ઠાકોરજીને લલાટે કુંમકુંમ તિલક કરી બંધુકના 5 ધડાકાની સલામી સાથે કરાશે “જન્મોત્સવ”નો પ્રારંભ

ખેડા : ડાકોરના ઠાકોરજીને લલાટે કુંમકુંમ તિલક કરી બંધુકના 5 ધડાકાની સલામી સાથે કરાશે “જન્મોત્સવ”નો પ્રારંભ
X

ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ ડાકોર ખાતે મંદિર પ્રશાસન દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી માટે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મહત્વનું છે કે, સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે.

યાત્રાધામ ડાકોર ખાતે રણછોડજી મંદિરમાં બુધવારે રાત્રીના 12 કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે રણછોડજી પ્રભુને લલાટે કુંમકુંમ તિલક કરી અને બંધુકના 5 ધડાકાની સલામી સાથે જન્મોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. પ્રથમ પંચામૃત સ્નાન બાદ ચુનારીયા વસ્ત્રો ધારણ કરવામાં આવશે. ત્યારબાદ અમૂલ્ય હીરા અને રત્નોજડિત ઝર-ઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવવામાં આવશે.

જન્માષ્ટમીના પાવન અવસરે સેવા દર્શન બાદ બાલ ગોપાલલાલજી મહારાજને મંદિરમાં સોનાના પારણે ઝુલાવી કિર્તનથી લાડ કરવામાં આવશે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે ડાકોર ખાતે બંધ બારણે જ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બીજા દિવસે મંદિર પરિષરમાં ઉજવાતો નંદ મહોત્સવ પણ રદ્દ કરવામાં આવ્યો છે. જોકે મંદિરના સાડા આઠસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આવો બનાવ બનતા ભક્તોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

Next Story