Connect Gujarat
ગુજરાત

૨૦૧૯ પહેલા કમળ, હાથ બાદ હવે શંકરસિંહ વાઘેલા પહેરશે ‘ઘડિયાળ’

૨૦૧૯ પહેલા કમળ, હાથ બાદ હવે શંકરસિંહ વાઘેલા પહેરશે  ‘ઘડિયાળ’
X

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોમાં આંટો ફેરો મારી આવેલા શંકરસિંહ હવે વધુ એકવાર સક્રિય

લાંબા સમય બાદ શંકરસિંહ વાઘેલા વધુ એકવાર ચર્ચામાં આવ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોમાં આંટો ફેરો મારી આવેલા શંકરસિંહ હવે વધુ એકવાર સક્રિય થઈ ગયાં છે. તેમની આ રાજકીય સક્રિયતાને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઈને થઈ રહી હોવાનું માનવામાં આવે છે.

ભાજપ બાદ કોંગ્રેસ અને કોંગ્રેસ બાદ જન વિકલ્પ પાર્ટીની રચના કરી ચુકેલા શંકરસિંહ વાઘેલા વધુ એક પક્ષનો છેડો પકડવા જઈ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ એનસીપીની ટિકિટ પરથી ચૂંટણી લડશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એનસીપી તરફથી શંકરસિંહને બે ટિકિટ ફાળવવામાં આવશે. વસંત વગડા ખાતે શંકરસિંહ વાઘેલાએ બેઠક યોજી હતી. આ પ્રસંગે તેમની જન વિકલ્પ પાર્ટીની પ્રદેશની ટીમ હાજર રહી હતી. અહીં પાર્ટીના સમર્થકો પણ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને નવી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ બાપુ નવી રણનીતિ જાહેર કરશે. અહીં તેમણે શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવવાનો નિર્ણય લીધો છે.

એવું પણ જાણવા મળે છે કે, એનસીપી તરફથી વાઘેલાને બે ટીકીટ આપવામાં આવશે. તેમાંથી બાપુ ચૂંટણી લડશે કે કેમ તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. જોકે એવી પણ માહિતી મળી છે કે કોંગ્રેસ ગુજરાતમાં 2 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે.

Next Story